News of Friday, 6th February 2026
ક્રિકેટના મેદાનમાં 'ડિપ્લોમેટિક યુદ્ધ': પાકિસ્તાનના હઠાગ્રહથી શ્રીલંકા પાયમાલ થવાના આરે: મિત્રતાની યાદ અપાવી મોકલ્યો કડક ઇમેઇલ!
ભારત સામે નહીં રમો તો હોટલના બુકિંગથી લઈને કરોડોની કમાણી ડૂબશે : શ્રીલંકા ક્રિકેટ બોર્ડની PCB ને કરુણ અપીલ: બ્રોડકાસ્ટર્સ અને ICC ના દંડનો ખતરો વધતા પાકિસ્તાનની 'PSL' પણ રદ થવાના સંકેત

કોલંબો: T20 વર્લ્ડ કપ 2026 માં 15 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ હવે રમત કરતા રાજકીય અખાડો વધુ બની ગઈ છે. પાકિસ્તાન સરકારના નકારાત્મક વલણના કારણે યજમાન શ્રીલંકાના હોશ ઉડી ગયા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે અત્યંત ગંભીરતાથી PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) ને એક ઇમેઇલ મોકલ્યો છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે જો પાકિસ્તાન આ મેચ નહીં રમે તો શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ અને અર્થતંત્રને ક્યારેય ન ભરાય તેવું નુકસાન થશે. કોલંબોની હોટલોમાં બુકિંગ રદ થવાની લહેર શરૂ થઈ ગઈ છે અને ક્રિકેટ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શ્રીલંકાએ યાદ અપાવ્યું છે કે તેણે હંમેશા સંકટના સમયમાં પાકિસ્તાનનો સાથ આપ્યો છે, તો હવે પાકિસ્તાને પણ આ આર્થિક ફટકા વિશે વિચારવું જોઈએ.
આ વિવાદમાં હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ પણ ઝંપલાવ્યું છે. પાકિસ્તાન ભલે બાંગ્લાદેશ સાથે એકતા બતાવવાના બહાને બહિષ્કારની વાતો કરતું હોય, પરંતુ ખુદ બાંગ્લાદેશી અધિકારીઓ માને છે કે આ મેચ રદ થવી એ ક્રિકેટ જગત માટે આત્મઘાતી સાબિત થશે. જો પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરશે તો આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટર્સ PCB પર અબજો રૂપિયાનો દાવો કરી શકે છે. એટલું જ નહીં, ICC પાકિસ્તાન પર એટલો આકરો દંડ લાદી શકે છે કે તેની આર્થિક કમર તૂટી જાય. સૌથી મોટો ખતરો એ છે કે ICC અન્ય દેશોના ખેલાડીઓને પાકિસ્તાન સુપર લીગ (PSL) માં રમવા માટે NOC આપવાનો ઇનકાર કરી શકે છે, જે પાકિસ્તાન માટે પાયમાલી સમાન હશે.
હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 'ધર્મસંકટ' માં મુકાયું છે. એક તરફ સરકારનું દબાણ છે અને બીજી તરફ વૈશ્વિક ક્રિકેટ સમુદાયથી અલગ-થલગ પડી જવાનો ભય. ભારત પહેલેથી જ કોલંબો જવાની તૈયારીઓ કરી ચૂક્યું છે, ત્યારે હવે બોલ પાકિસ્તાનના કોર્ટમાં છે. જો PCB પોતાના નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે તો માત્ર શ્રીલંકાને જ નહીં, પણ પાકિસ્તાનને પણ સ્પોર્ટ્સ અને બિઝનેસના નકશા પરથી ગંભીર ફટકો પડશે. શું પાકિસ્તાન પોતાની જીદ છોડીને ક્રિકેટ અને મિત્રતાને બચાવશે કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો નોતરશે, તે હવે માત્ર થોડા કલાકોમાં જ સ્પષ્ટ થશે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
