તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Friday, 6th February 2026
પિઝા બન્યો કાળ! રાત્રે હોંશે હોંશે પિઝા ખાધા ને સવારે ૧૫ વર્ષના તેજસ્વી વિદ્યાર્થીનું કરુણ મોત
બિહારના ભોજપુરમાં ૧૦માં ધોરણના વિદ્યાર્થીના શંકાસ્પદ અવસાનથી માતમનો માહોલ: સ્થાનિક દુકાનમાંથી પિઝા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની આશંકા

ભોજપુર : બિહારના ભોજપુર જિલ્લાના બિહિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. ૧૦માં ધોરણમાં ભણતા અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા ૧૫ વર્ષીય વિદ્યાર્થી બલવીર વિનયનું પિઝા ખાધાના ગણતરીના કલાકોમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. ગુરુવારે રાત્રે બલવીરે સ્થાનિક દુકાનમાંથી પિઝા મંગાવીને ખાધા હતા, પરંતુ મધ્યરાત્રિ બાદ તેની તબિયત અચાનક લથડી હતી. તેને સતત ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા, અને શરીર એટલું નબળું પડી ગયું હતું કે તે ઘરની બહાર નીકળતા જ શેરીમાં ઢળી પડ્યો હતો. એક હસતા-રમતા તેજસ્વી બાળકનું આ રીતે અચાનક મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતા જ ગભરાયેલા પરિવારજનો તેને તાત્કાલિક બિહિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા, જ્યાં તેની ગંભીર હાલત જોઈ ડોક્ટરોએ તેને આરા સદર હોસ્પિટલ રિફર કર્યો હતો. કમનસીબે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં બલવીરનો શ્વાસ થંભી ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બલવીરના પિતા વિનય કુમાર કેસરી, જેઓ વ્યવસાયે શિક્ષક છે, તેમના માટે આ આઘાત સહન કરવો અશક્ય બની ગયો છે. બલવીર તેના ભવિષ્યના સપના જોતો હતો અને હાલમાં બોર્ડની પરીક્ષા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યો હતો, પરંતુ એક રાતના ભોજને તેના જીવનનો અંત લાવી દીધો.
આ ઘટના બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી છે અને જે દુકાનમાંથી પિઝા લેવામાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ફૂડ પોઈઝનિંગને કારણે આ મૃત્યુ થયું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે મૃતદેહને કબજે કરી તપાસ તેજ કરી છે અને ખાદ્ય સુરક્ષા વિભાગને પણ જાણ કરવામાં આવી છે જેથી અન્ય કોઈ વ્યક્તિ આવા જોખમી ખોરાકનો શિકાર ન બને. આ કિસ્સો બહારના જંક ફૂડની ગુણવત્તા અને તેની લોકોના સ્વાસ્થ્ય પર થતી જીવલેણ અસરો વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
