News of Friday, 6th February 2026
અનુરાગ ઠાકુરની ICCને લપડાક : "પાકિસ્તાનનું ફંડ રોકો અને ક્રિકેટ પર પ્રતિબંધ લાદો"
ભારત સામે રમવાનો ઇનકાર કરનાર પાકિસ્તાન પર ભાજપ સાંસદનો જોરદાર પ્રહાર: વિશ્વ ક્રિકેટના ૮૦% નફાના સ્ત્રોત એવા ભારતનું અપમાન સહન નહીં થાય

નવી દિલ્હી : ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા મેદાન પરના મુકાબલા કરતા પણ વધુ ગરમાવો રાજદ્વારી ગલિયારાઓમાં જોવા મળી રહ્યો છે. ભાજપ સાંસદ અને પૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આઈસીસી (ICC) સમક્ષ કડક માંગણી કરી છે કે જે દેશો રાજકીય કારણોસર ભારત સામે રમવાનો ઇનકાર કરે છે, તેમની સામે આકરા પગલાં લેવાવા જોઈએ. ઠાકુરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત વિશ્વ ક્રિકેટમાં આર્થિક અને રમતની દ્રષ્ટિએ સૌથી મોટું યોગદાન આપે છે, તેમ છતાં જો પાકિસ્તાન જેવા દેશો ભારતમાં આવીને રમવાનો બહિષ્કાર કરે, તો આઈસીસીએ તેમનું વાર્ષિક ભંડોળ (ગ્રાન્ટ) તાત્કાલિક ધોરણે રોકી દેવું જોઈએ અને તેમને થોડા વર્ષો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર કરી દેવા જોઈએ.
અનુરાગ ઠાકુરનો તર્ક છે કે રમતગમતને રાજકારણથી ઉપર રાખવી જોઈએ, પરંતુ જ્યારે કોઈ દેશ જાણીજોઈને રમતનો ઉપયોગ રાજકીય દબાણ લાવવા માટે કરે, ત્યારે તેને પાઠ ભણાવવો અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે ભારત હંમેશા ખેલાડીઓને વિશ્વ કક્ષાની સુરક્ષા અને સુવિધાઓ આપે છે, છતાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશો જે રીતે ભારત પ્રત્યે અસહકારનું વલણ દાખવી રહ્યા છે, તેનાથી બ્રોડકાસ્ટર્સ અને આઈસીસીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. જો પાકિસ્તાન પર પ્રતિબંધ લાદવામાં આવે, તો તે ભવિષ્યમાં અન્ય દેશો સામે પણ રમી શકશે નહીં, જે તેમની આર્થિક રીતે ભાંગી પડેલી ક્રિકેટ બોર્ડ (PCB) માટે મોટો ફટકો સાબિત થશે.
વર્લ્ડ કપના આયોજન સ્થળો પર હાલમાં અનિશ્ચિતતાના વાદળો મંડરાઈ રહ્યા છે, કારણ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશે સુરક્ષાના ખોટા બહાના હેઠળ ભારત આવવાની ના પાડી દીધી છે. અનુરાગ ઠાકુરના આ નિવેદને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને પણ ભીંસમાં મૂકી છે, કારણ કે ભારતીય બજાર વગર આઈસીસીની કમાણી અડધી થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે શું આઈસીસી પાકિસ્તાન સામે પ્રતિબંધાત્મક પગલાં લેવાની હિંમત બતાવે છે કે પછી રાજકીય દબાણ હેઠળ નમી જાય છે. જો ભારત પોતાનું વલણ કડક રાખશે, તો પાકિસ્તાની ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય બની શકે છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
