News of Friday, 6th February 2026
ગઢચિરોલીમાં લોહિયાળ જંગ: C-60 કમાન્ડોએ નક્સલીઓના ગઢમાં ઘૂસીને ૩ને ઠાર કર્યા : એક જવાન શહીદ
ભામરાગઢના ગાઢ જંગલોમાં નક્સલવાદીઓની 'કંપની નંબર 10' સામે સુરક્ષા દળોનું ૭૨ કલાકનું મેગા ઓપરેશન : AK-47 અને વિસ્ફોટકો સાથે બે નક્સલી કેમ્પ તબાહ

ગઢચિરોલી : મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરહદે આવેલા ગઢચિરોલીના અભેદ્ય જંગલોમાં છેલ્લા ત્રણ દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. ભામરાગઢ વિસ્તારમાં માઓવાદીઓની ઘાતક 'કંપની નંબર 10' છુપાઈ હોવાની સચોટ બાતમી મળતા જ મહારાષ્ટ્ર પોલીસના ભદ્ર ગણાતા C-60 યુનિટના ૧૪ દળ મેદાનમાં ઉતર્યા હતા. મંગળવારથી શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક મહિલા નક્સલી સહિત કુલ ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ નક્સલીઓના બે મોટા કેમ્પ પણ શોધી કાઢીને તેને જમીનદોસ્ત કરી દીધા છે, જ્યાંથી આધુનિક AK-47 રાઈફલ્સ અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે.
આ ભીષણ અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસે તેનો એક બહાદુર રક્ષક ગુમાવ્યો છે. ૩૮ વર્ષીય C-60 સૈનિક દીપક ચિન્ના મડાવી નક્સલીઓ સાથેના સામસામે ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક એરલિફ્ટ કરીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની શહાદતથી પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. અન્ય એક ઘાયલ જવાન જોગા મડાવીને પણ એરલિફ્ટ કરવામાં આવ્યા છે, જેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ પહાડી વિસ્તારમાં નક્સલીઓનો સફાયો કરવા માટે પોલીસે હેલિકોપ્ટર અને વધારાની ટુકડીઓની મદદ લીધી છે.
ગુરુવારે સવારથી ઓપરેશનને વધુ તેજ બનાવવા માટે CRPFના ક્વિક એક્શન ટીમ (QAT) ને પણ જંગલમાં ઉતારવામાં આવી છે. ફોડેવાડા ગામ નજીકના જંગલોમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે, કારણ કે પોલીસને શંકા છે કે અન્ય કેટલાક નક્સલીઓ ઘાયલ અવસ્થામાં ગાઢ ઝાડીઓમાં છુપાયેલા હોઈ શકે છે. ગઢચિરોલી પોલીસ અને પ્રશાસને શહીદ દીપક મડાવીને શ્રદ્ધાંજલિ અર્પી છે અને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સમગ્ર વિસ્તાર નક્સલ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ રણસંગ્રામ ચાલુ રહેશે. આ વિસ્તારમાં હજુ પણ તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
