News of Friday, 6th February 2026
થાઇલેન્ડ પ્રવાસનું પ્લાનિંગ છે? જરા થોભો! ચૂંટણીના કારણે રજાઓની મજા બગડી શકે છે
દારૂના વેચાણ પર 24 કલાકનો સંપૂર્ણ પ્રતિબંધ; રેસ્ટોરન્ટ અને બારમાં વેચાણ 50% ઘટ્યું, પ્રવાસીઓમાં ભારે મૂંઝવણ

બેંગકોક: થાઇલેન્ડ તેના સુંદર દરિયાકિનારા અને શાનદાર નાઇટલાઇફ માટે જાણીતું છે, પરંતુ હાલમાં ત્યાંની મુલાકાત લેવી પ્રવાસીઓ માટે થોડી કડવી સાબિત થઈ શકે છે. થાઇલેન્ડમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓને કારણે સરકારે દારૂના વેચાણ અને વિતરણ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. આ ‘ડ્રાય ડેઝ’ (Dry Days) ને કારણે વિદેશી પ્રવાસીઓ જેઓ ખાસ કરીને રજાઓ ગાળવા અને પાર્ટી કરવા આવ્યા છે, તેમને ભારે નિરાશા સાપડી રહી છે.
ચૂંટણી પંચનો કડક નિયમ
થાઇ કાયદા મુજબ, મતદાનના દિવસે અને તેની આગલી રાત્રે દારૂનું વેચાણ, ખરીદી કે મફત વિતરણ કરવું ગેરકાયદેસર છે. આ નિયમ મુજબ બે અલગ-અલગ 24 કલાકની વિન્ડો નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ નિયમનો હેતુ મતદાનમાં ગેરરીતિ અટકાવવાનો અને જાહેર વ્યવસ્થા જાળવવાનો છે. બેંગકોકના એક રેસ્ટોરન્ટ માલિકે જણાવ્યું કે, અમેરિકાથી આવેલા પ્રવાસીઓ જ્યારે વાઇન ઓર્ડર કરવા માંગતા હતા ત્યારે તેમને ના પાડવી પડી, જેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો
આ પ્રતિબંધોની સૌથી વધુ અસર રેસ્ટોરન્ટ અને બારના વ્યવસાય પર પડી છે. બેંગકોક અને ફૂકેટ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળો પર વેચાણમાં 30% થી 50% સુધીનો ઘટાડો નોંધાયો છે. કેટલાક બાર માલિકોને તો ડર છે કે સપ્તાહના અંતે તેમનું વેચાણ 90% સુધી ઘટી શકે છે. પ્રવાસન નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે પીક સીઝન દરમિયાન આવા વારંવારના વિક્ષેપોથી થાઇલેન્ડની ‘સીમલેસ હોલિડે ડેસ્ટિનેશન’ તરીકેની છબી ખરડાઈ શકે છે.
પ્રવાસીઓ માટે શું બદલાયું?
જો તમે અત્યારે થાઇલેન્ડમાં હોવ, તો તમારે હોટલ અને રેસ્ટોરન્ટમાં સાઇનબોર્ડ જોવા મળી શકે છે જે દારૂ ન મળવાની સૂચના આપતા હોય. આ અચાનક બદલાયેલા નિયમોથી અજાણ પ્રવાસીઓ માટે ઘણી વખત મૂંઝવણની સ્થિતિ પેદા થાય છે. ગયા વર્ષે પૂર અને સરહદ વિવાદોને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પહેલેથી જ 7.2% નો ઘટાડો થયો છે, ત્યારે હવે આ ચૂંટણી સંબંધી પ્રતિબંધો પ્રવાસન ક્ષેત્ર માટે નવું સંકટ લઈને આવ્યા છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
