<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

મુંબઈમાં 'અતિથિ દેવો ભવ:'ની એસીતૈસી: માત્ર 400 મીટરના 18 હજાર વસૂલનાર બીજો ઠગ ટેક્સી ડ્રાઈવર પણ ઝડપાયો

અમેરિકન પ્રવાસીને 20 મિનિટ સુધી અંધેરીની ગલીઓમાં ફેરવી કરી લૂંટ; ઉત્તર પ્રદેશ ભાગી ગયેલા આરોપીને દાદર સ્ટેશનથી દબોચી લેવાયો

મુંબઈ: માત્ર 400 મીટરના અંતર માટે કોઈ 18,000 રૂપિયા ભાડું માંગી શકે? સાંભળવામાં અજીબ લાગે પણ મુંબઈના સહાર એરપોર્ટ પર એક અમેરિકન મહિલા પ્રવાસી સાથે આવું જ બન્યું છે. આ ‘ટેક્સી કૌભાંડ’માં સહાર પોલીસે બુધવારે બીજા મુખ્ય આરોપી તૌફિક શેખની ધરપકડ કરી છે. આ પહેલા પોલીસે તેના સાથી યશરાજ યાદવ ઉર્ફે પપ્પુને જેલભેગો કર્યો હતો.
શું હતી આખી ઘટના?
આર્જેન્ટિના એરિયાનો નામની અમેરિકન નાગરિક 12 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. તેને માત્ર 400 મીટર દૂર આવેલી હિલ્ટન હોટલમાં જવું હતું. ટેક્સી ડ્રાઈવર યાદવ અને તૌફિકે તેને સીધી હોટલ લઈ જવાને બદલે જાણીજોઈને અંધેરીની ગલીઓમાં 20 મિનિટ સુધી ચકરાવો આપ્યો હતો. બાદમાં તેને ખોટી હોટલ પાસે ઉતારી દીધી અને જ્યારે મહિલાએ વિરોધ કર્યો, ત્યારે સાચી હોટલ લઈ જવાના બદલામાં તેની પાસેથી 200 ડોલર એટલે કે અંદાજે 18,000 રૂપિયાની માંગણી કરી હતી.
સોશિયલ મીડિયા પર ફૂટ્યો ભાંડો
આ ઘટનાના 15 દિવસ બાદ જ્યારે આર્જેન્ટિનાએ સોશિયલ મીડિયા પર #scam હેશટેગ સાથે પોતાની આપવીતી લખી અને મુંબઈ પોલીસને ટેગ કરી, ત્યારે પોલીસ એક્શનમાં આવી હતી. મહિલાએ ટેક્સી નંબર (MH 01 BD 5405) પણ શેર કર્યો હતો. પોલીસે આ મામલે જાતે જ (સુઓમોટુ) ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ટેકનોલોજીની મદદથી આરોપી પકડાયો
સહાર પોલીસે OSINT (ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ) ટૂલ્સનો ઉપયોગ કરીને ટેક્સી માલિક અને બાદમાં ડ્રાઈવરોની ઓળખ કરી હતી. મુખ્ય આરોપી તૌફિક શેખ ગુનો કરીને ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે તે ટ્રેન દ્વારા મુંબઈ પરત ફરી રહ્યો છે, જેના આધારે દાદર રેલવે સ્ટેશન પર જ તેને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તૌફિક સામે અગાઉ પણ આવા ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે.
હાલમાં કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને તેનું ટેક્સી પરમિટ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે વિદેશી પ્રવાસીઓને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ કિસ્સામાં તાત્કાલિક હોટલ સ્ટાફ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

(8:46 PM IST)