News of Friday, 6th February 2026
પાકિસ્તાનનો આતંકી પ્રેમ પકડાયો: ‘કાશ્મીર એકતા દિવસ’ પર PoK માં UN-પ્રતિબંધિત આતંકવાદીઓએ ગજવ્યું મંચ!
જૈશ-એ-મોહમ્મદના ખતરનાક કમાન્ડરો અને મસૂદ અઝહરના સંબંધીઓ રેલીમાં દેખાયા; ભારત વિરોધી ઝેર ઓકીને આતંકવાદીઓની ભરતીનું આયોજન

રાવલકોટ: પાકિસ્તાન દુનિયા સમક્ષ જે ‘કાશ્મીર એકતા દિવસ’ની ઉજવણીનો દાવો કરે છે, તેનું અસલી અને બિહામણું સત્ય ફરી એકવાર સામે આવ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના રાવલકોટમાં આયોજિત સત્તાવાર રેલીઓમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનો અને તેમના કમાન્ડરો જાહેરમાં મંચ પર જોવા મળ્યા હતા. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા જે આતંકવાદીઓના ડોઝિયર તૈયાર કરાયા છે, તે જ ચહેરાઓ પાકિસ્તાનની ધરતી પર ખુલ્લેઆમ ભારત વિરોધી ઝેર ઓકતા દેખાયા હતા.
જૈશ-એ-મોહમ્મદનું ખુલ્લું પ્રદર્શન
ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, 5 ફેબ્રુઆરીએ રાવલકોટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં સશસ્ત્ર આતંકવાદીઓ અને સંગઠનના વરિષ્ઠ મૌલવીઓએ ભાગ લીધો હતો. આ મેળાવડામાં મસૂદ અઝહરના નજીકના સંબંધીઓ અને કમાન્ડરો જેવા કે મૌલાના અબ્દુલ મતીન, મુફ્તી મસૂદ ઇલ્યાસ અને સૈફુલ્લાહ મુજાહિદ હાજર હતા. આ એ જ સંગઠન છે જે 2019 ના ભયાનક પુલવામા હુમલા માટે જવાબદાર છે.
આતંકવાદની પાઠશાળા અને સત્તાવાર સમર્થન
ભારતીય સુરક્ષા એજન્સીઓના મતે, પાકિસ્તાન આ દિવસનો ઉપયોગ કાશ્મીરીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવા નહીં, પરંતુ આતંકવાદીઓની નવી ભરતી કરવા અને તાલીમ આપવા માટે કરે છે. જે આતંકવાદીઓના નામ ભારતની ચાર્જશીટમાં વોન્ટેડ તરીકે નોંધાયેલા છે, તેઓ પાકિસ્તાન પ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા વચ્ચે ભાષણો આપી રહ્યા છે. આ ઘટના સાબિત કરે છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદી સંગઠનોને ‘સ્ટેટ પોલિસી’ તરીકે પ્રોત્સાહન આપી રહ્યું છે.
ભારતનું કડક વલણ
ભારતે અનેકવાર આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને અપાતા આશરા અંગે પુરાવા રજૂ કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોળવા માટે જૈશ અને લશ્કર જેવા સંગઠનો સતત પ્રયત્નશીલ રહે છે. એકબાજુ પાકિસ્તાન એફએટીએફ (FATF) અને અન્ય સંસ્થાઓ સામે આતંકવાદ વિરોધી હોવાનો ડોળ કરે છે, તો બીજી તરફ કાશ્મીરના નામે આતંકીઓને ‘રેડ કાર્પેટ’ સ્વાગત આપે છે. રાવલકોટની આ રેલીએ પાકિસ્તાનના જૂઠાણાની પોલ આખી દુનિયા સામે ખોલી નાખી છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
