News of Friday, 6th February 2026
શું અંતરિક્ષમાં બાળકની કિકિયારી ગુંજશે? અવકાશમાં ગર્ભાવસ્થા અને જન્મ સામે વિજ્ઞાને ઉભા કર્યા મોટા પ્રશ્નાર્થ
માઈક્રોગ્રેવિટી અને કોસ્મિક રેડિયેશન નવા જીવન માટે બની શકે છે ખતરો; IVF જેવી આધુનિક ટેકનોલોજી હવે પૃથ્વીની બહાર માનવ વંશ વધારવા માટે સજ્જ

નવી દિલ્હી: અવકાશ હવે માત્ર સંશોધનનું કેન્દ્ર નથી રહ્યું, પણ તે એક વ્યવસાયિક કાર્યસ્થળમાં પરિવર્તિત થઈ રહ્યું છે. જેમ-જેમ પ્રાઇવેટ સ્પેસ મિશન વધી રહ્યા છે, તેમ તેમ એક ગંભીર સવાલ વૈજ્ઞાનિકોને મૂંઝવી રહ્યો છે: શું સ્ત્રીઓ અવકાશમાં સુરક્ષિત રીતે જન્મ આપી શકે છે? તાજેતરમાં ‘રિપ્રોડક્ટિવ બાયોમેડિસિન ઓનલાઈન’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલે આ દિશામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
શૂન્ય ગુરુત્વાકર્ષણ અને રેડિયેશનનું જોખમ
વૈજ્ઞાનિકોના મતે અવકાશનું વાતાવરણ પ્રજનન માટે અત્યંત પ્રતિકૂળ છે. પૃથ્વીની બહાર કોસ્મિક રેડિયેશન (કિરણોત્સર્ગ) એટલું શક્તિશાળી હોય છે કે તે સ્ત્રીઓના માસિક ચક્રને ખોરવી શકે છે અને કેન્સરનું જોખમ વધારી શકે છે. માઇક્રોગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનો અભાવ ગર્ભના વિકાસમાં અવરોધ પેદા કરી શકે છે. હાલમાં અવકાશમાં જતી મહિલા અવકાશયાત્રીઓ હોર્મોનલ દવાઓ દ્વારા માસિક સ્રાવને નિયંત્રિત કરે છે, પરંતુ લાંબા ગાળાના મિશનમાં આ પરિસ્થિતિ પડકારજનક બની શકે છે.
IVF ટેકનોલોજી બનશે ‘સંજીવની’?
અભ્યાસ મુજબ, પૃથ્વી પર વપરાતી આધુનિક સહાયિત પ્રજનન તકનીકો (ART) જેમ કે ઓટોમેટેડ IVF અને શુક્રાણુ-ઈંડાને ફ્રીઝ કરવાની પદ્ધતિ (Cryopreservation) અવકાશમાં ઉપયોગી થઈ શકે છે. નિષ્ણાત ગાઇલ્સ પામર જણાવે છે કે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ગર્ભનું સંવર્ધન કરવું હવે શક્ય છે. ભવિષ્યના મંગળ મિશન કે ચંદ્ર પર વસાહત સ્થાપવા માટે આ ટેકનોલોજી જ માનવ સભ્યતાને આગળ ધપાવવાનું સાધન બની શકે છે.
નીતિગત અને નૈતિક મૂંઝવણ
નાસાના ડૉ. ફાથી કરુઇયાના જણાવ્યા મુજબ, પ્રજનન સ્વાસ્થ્ય હવે માત્ર સૈદ્ધાંતિક મુદ્દો નથી રહ્યો. અવકાશમાં જન્મેલા બાળકોના કાયદાકીય અધિકારો, આનુવંશિક તપાસની નૈતિકતા અને મિશન દરમિયાન વંધ્યત્વ આવે તો તેની જવાબદારી કોની—તેવા અનેક પ્રશ્નોના જવાબો હજુ બાકી છે. વૈજ્ઞાનિકો આગ્રહ કરી રહ્યા છે કે કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે અવકાશ પ્રજનન માટે મજબૂત માર્ગદર્શિકા બનાવવી જોઈએ.
માનવતા હવે પૃથ્વીની બહાર વસવાટ તરફ આગળ વધી રહી છે ત્યારે વિજ્ઞાન અને કુદરત વચ્ચેનો આ જંગ જોવો ખરેખર રોમાંચક હશે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
