News of Friday, 6th February 2026
સિદ્ધુ પરિવાર અને કોંગ્રેસ વચ્ચે આરપારનો જંગ: સસ્પેન્શન બાદ હવે નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
ભૂપેશ બઘેલનું મોટું નિવેદન- "પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સહન નહીં થાય"; નવજોત કૌર અગાઉ જ રાજીનામું આપી ચુક્યા હોવાનો કર્યો હતો દાવો

અમૃતસર :પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે એક નિર્ણાયક વળાંક પર આવી ગયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની અને પૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો આદેશ જારી કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ કાર્યવાહીના થોડા દિવસો પહેલા જ નવજોત કૌરે પોતે જ પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી હતી, તેમ છતાં કોંગ્રેસે તેમને હાંકી કાઢીને પોતાની શિસ્તબદ્ધ છબી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના રાજકીય મામલાઓના જાણકાર ભૂપેશ બઘેલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, નવજોત કૌર સિદ્ધુને તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે તેમને ઔપચારિક રીતે પક્ષમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. બઘેલે ઉમેર્યું કે, "કોંગ્રેસ પક્ષમાં શિસ્ત સર્વોપરી છે અને કોઈપણ સ્તરે પક્ષના હિત વિરુદ્ધ જઈને કરવામાં આવતું કામ સહન કરવામાં આવશે નહીં."
નવજોત કૌર સિદ્ધુ અમૃતસર વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. તેમના અને નવજોત સિંહ સિદ્ધુના કોંગ્રેસ સાથેના વણસેલા સંબંધોને કારણે પંજાબના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધુ પરિવાર આગામી સમયમાં કોઈ નવા રાજકીય વિકલ્પની શોધમાં છે અથવા કોઈ પ્રાદેશિક ગઠબંધનનો ભાગ બની શકે છે. કોંગ્રેસની આ કાર્યવાહી બાદ હવે સિદ્ધુ પરિવારનો આગામી પડકાર શું હશે, તેના પર સૌની નજર ટકેલી છે.
આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ હવે જૂના અને કદાવર નેતાઓની નારાજગી વહોરીને પણ પક્ષમાં એકતા સ્થાપવા માંગે છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
