<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સંસદમાં સંગ્રામ: 19 કલાકનો કિંમતી સમય હોબાળાની ભેટ : બજેટ ચર્ચા પર વિપક્ષી હંગામાનું ગ્રહણ

લોકસભામાં છેલ્લા એક અઠવાડિયાથી જનતાના પ્રશ્નોને બદલે માત્ર હોબાળો અને સૂત્રોચ્ચાર ગુંજી રહ્યા છે : જેના કારણે રાષ્ટ્રના વિકાસ માટે અત્યંત મહત્વની એવી બજેટ ચર્ચા હજુ સુધી શરૂ થઈ શકી નથી

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ પંચાયત ગણાતી લોકસભામાં છેલ્લા એક અઠવાડિયાથી જનતાના પ્રશ્નોને બદલે માત્ર હોબાળો અને સૂત્રોચ્ચાર ગુંજી રહ્યા છે, જેના કારણે રાષ્ટ્રના વિકાસ માટે અત્યંત મહત્વની એવી બજેટ ચર્ચા હજુ સુધી શરૂ થઈ શકી નથી અને કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી સંસદનો 19 કલાકથી વધુનો સમય વેડફાઈ ગયો છે.

લોકસભામાં લોકશાહીના મૂલ્યો જાણે પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર નીચે દબાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સ્પીકર ઓમ બિરલાએ અત્યંત વ્યથિત હૃદયે નોંધ્યું કે વર્તમાન સત્રના કુલ 19 કલાક અને 13 મિનિટ હંગામામાં હોમાઈ ગયા છે. શુક્રવારની કાર્યવાહી તો માત્ર નામ પૂરતી જ રહી, જેમાં ગૃહ માંડ 10 મિનિટ ચાલી શક્યું અને આખરે 9 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવું પડ્યું. સ્પીકરે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી કે 140 કરોડની જનતાએ સાંસદોને ગંભીર ચર્ચા અને પ્રશ્નોના ઉકેલ માટે ચૂંટ્યા છે, નહીં કે ગૃહમાં અંધાધૂંધી ફેલાવવા અને 'વેલ'માં ધસી જવા માટે.

વિપક્ષ અને સરકાર વચ્ચેની આ ખેંચતાણનું મુખ્ય કેન્દ્રબિંદુ વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ટાંકવામાં આવેલો એક લેખ બન્યો છે. પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તકના અંશો, જેમાં 2020ના ભારત-ચીન સરહદ સંઘર્ષનો ઉલ્લેખ છે, તેને ગૃહના રેકોર્ડ પર લાવવાની પરવાનગી ન મળતા વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. આ જીદને કારણે સ્થિતિ એવી સર્જાઈ કે રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ પણ વડાપ્રધાનના પરંપરાગત જવાબ વિના જ પસાર કરી દેવો પડ્યો, જે સંસદીય ઇતિહાસમાં એક ગંભીર ઘટના ગણાય.

આ હોબાળાની સૌથી મોટી અસર જનહિતના કાર્યો પર પડી છે. પ્રિયંકા ગાંધી સહિતના અનેક સાંસદોએ જનતાની સમસ્યાઓ અંગે પ્રશ્નો આપ્યા હતા, પરંતુ પ્રશ્નકાળ શરૂ થતાની સાથે જ હોબાળો શરૂ થઈ જતાં એ તમામ પ્રશ્નો કાગળ પર જ રહી ગયા. બજેટ જેવી ગંભીર બાબત પર તંદુરસ્ત ચર્ચા થવાને બદલે ગૃહમાં માત્ર રાજકીય શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હવે આ ગતિરોધ 9 ફેબ્રુઆરીએ કેવી રીતે ઉકેલાય છે અને દેશના આર્થિક ભવિષ્ય પર ક્યારે ચર્ચા શરૂ થાય છે, તેના પર સમગ્ર દેશની મીટ મંડાયેલી છે.

(9:57 PM IST)