“મારા પછી પ્રલય આવશે!” - દેશને શાપ આપીને વિદાય લેનાર ફ્રાન્સનો એ કમનસીબ રાજા, જેના શબ પર લોકોએ થૂંક્યું હતું
માત્ર 5 વર્ષની ઉંમરે સત્તા સંભાળનાર લુઇસ XV એ અયાશીમાં દેશની તિજોરી ખાલી કરી; જનતાની નફરત એવી હતી કે અંતિમયાત્રામાં શોકને બદલે ગાળોનો વરસાદ થયો

પેરિસ: ઇતિહાસ હંમેશા વિજેતાઓ અને ઉદાર શાસકોની ગાથા નથી હોતો, ક્યારેક તે લુઇસ XV (Louis XV) જેવા શાસકોની બદનામીની કથા પણ હોય છે. ફ્રાન્સના ઇતિહાસમાં લુઇસ XV એક એવા રાજા તરીકે નોંધાયા છે, જેમણે પોતાના દેશને સમૃદ્ધિના શિખરેથી વિનાશની ખાઈમાં ધકેલી દીધો હતો. તેમનું મૃત્યુ જેટલું પીડાદાયક હતું, તેનાથી વધુ અપમાનજનક તેમની અંતિમ વિદાય હતી.
બાળપણમાં સત્તા અને અયાશીનું આંધળું વળગણ
માત્ર 5 વર્ષની કુમળી વયે લુઇસ XV ફ્રાન્સના રાજા બન્યા હતા, કારણ કે એક ભયંકર બીમારીએ તેમના માતા-પિતા અને ભાઈનો ભોગ લીધો હતો. શરૂઆતમાં તેમને ‘ધ વેલ-બિલવ્ડ’ (પ્રિય રાજા) કહેવામાં આવતા હતા, પરંતુ જેમ જેમ તેઓ મોટા થયા, તેમ તેમ તેમનો મોજ-શોખ પ્રજા માટે મુસીબત બનતો ગયો. વર્સેલ્સના ભવ્ય મહેલમાં તેઓ વિલાસમાં ડૂબેલા રહેતા હતા. તેમની રખાત મેડમ ડી પોમ્પાડોર રાજકારણમાં એટલી શક્તિશાળી બની ગઈ હતી કે રાજા તેના ઈશારે નાચતા હતા.
“Après moi, le déluge” - વિનાશની ભવિષ્યવાણી
લુઇસ XV પોતાની અસમર્થતા અને દેશની કથળતી હાલતથી વાકેફ હતા. તેમણે ફ્રેન્ચ ભાષામાં કહ્યું હતું, “Après moi, le déluge” એટલે કે “મારા પછી પ્રલય (વિનાશ) આવશે.” આ શબ્દો ફ્રાન્સ માટે એક શાપ સાબિત થયા. સાત વર્ષના યુદ્ધ અને રાજાના ખર્ચાળ શોખને કારણે ફ્રાન્સ કંગાળ થઈ ગયું. લોકો ભૂખે મરતા હતા અને રાજા મહેલમાં મિજબાનીઓ ઉડાવતા હતા. પરિણામે, જનતામાં તેમના પ્રત્યે એટલી નફરત ભરાઈ ગઈ હતી કે જ્યારે એક વ્યક્તિએ તેમને મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોએ ખૂની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.
શીતળાથી કરુણ અંત અને અંતિમયાત્રામાં અપમાન
વર્ષ 1774માં આ કુખ્યાત રાજાનું મૃત્યુ શીતળા (Smallpox) જેવા ગંભીર રોગથી થયું. જ્યારે તેમની અંતિમયાત્રા નીકળી, ત્યારે પેરિસના રસ્તાઓ પર શોકનો માહોલ નહોતો, પરંતુ લોકોમાં આક્રોશ હતો. ભીડે તેમની પાલખી પર પથ્થર અને કચરો ફેંક્યો હતો અને ગંદી ગાળો આપી હતી. જે રાજાને એક સમયે લોકો પ્રેમ કરતા હતા, તે ઇતિહાસમાં સૌથી નફરતપાત્ર શાસક બનીને વિદાય થયા. તેમના શાપ મુજબ, તેમના મૃત્યુના થોડા જ વર્ષો પછી ફ્રેન્ચ ક્રાંતિ થઈ અને રાજશાહીનો જડમૂળથી નાશ થયો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
