હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જયલલિતાનો આલીશાન બંગલો ‘વેદ નિલયમ’ થશે હરાજી? કરોડોનો ટેક્સ બાકી હોવાથી આવકવેરા વિભાગ લાલઘૂમ
વારસદારો ₹13.69 કરોડની લેણી રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો પોઈસ ગાર્ડન સ્થિત નિવાસસ્થાન વેચાઈ જશે; મદ્રાસ હાઈકોર્ટમાં IT વિભાગની કડક ચેતવણી

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં જેનું નામ આદરથી લેવાય છે તેવા પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના ચેન્નાઈ સ્થિત પોઈસ ગાર્ડન નિવાસસ્થાન 'વેદ નિલયમ' પર હરાજીનું જોખમ તોળાઈ રહ્યું છે. આવકવેરા વિભાગે મદ્રાસ હાઈકોર્ટને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો જયલલિતાના કાયદેસરના વારસદારો ₹13.69 કરોડનો બાકી ટેક્સ અને વ્યાજ નહીં ચૂકવે, તો વિભાગ આ મિલકતની હરાજી કરીને વસૂલાત કરશે.
વર્ષોથી બાકી છે કરોડોનો કરવેરા
IT વિભાગના વરિષ્ઠ વકીલ એ.પી. શ્રીનિવાસે જસ્ટિસ સી. સરવનન સમક્ષ રજૂઆત કરી હતી કે વેદ નિલયમની જપ્તી જયલલિતાના જીવનકાળ દરમિયાન જ કરવામાં આવી હતી. તેમના પર વર્ષ 1991-92 થી 2015-16 સુધીના વિવિધ ગાળા માટે આવકવેરા અને સંપત્તિવેરાના કરોડો રૂપિયા બાકી છે. જયલલિતાના અવસાન બાદ હાઈકોર્ટે તેમની ભત્રીજી જે. દીપા અને ભત્રીજા જે. દીપકને વારસદાર જાહેર કર્યા હતા, જેના કારણે હવે આ જવાબદારી તેમના શિરે આવી છે.
વારસદારો અને હપ્તાની ગૂંચવણ
કોર્ટમાં એવી વિગત સામે આવી કે વારસદાર જે. દીપકે ટેક્સની રકમ હપ્તામાં ચૂકવવાની પરવાનગી માંગી હતી. વિભાગે તેમને ઓક્ટોબર 2025 થી માર્ચ 2026 વચ્ચે છ હપ્તામાં ₹6.75 કરોડ ચૂકવવાની છૂટ આપી હતી. જોકે, અત્યાર સુધીમાં માત્ર બે જ હપ્તા ભરવામાં આવ્યા છે અને તેમાં પણ ટેકનિકલ ભૂલોને કારણે પેમેન્ટમાં ગૂંચવણો ઉભી થઈ છે. બીજી તરફ, જે. દીપાએ આ ટેક્સની માંગ સામે જ કોર્ટમાં અરજી કરી છે.
હરાજીની છેલ્લી ચેતવણી
આવકવેરા વિભાગે કોર્ટને ખાતરી આપી છે કે જો કરવેરાની બાકી રકમ ભરવામાં નહીં આવે, તો આવકવેરા કાયદા હેઠળ નક્કી કરેલી પ્રક્રિયા મુજબ વેદ નિલયમની જાહેર હરાજી કરવામાં આવશે. આ મામલે તમામ પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ, મદ્રાસ હાઈકોર્ટે વધુ સુનાવણી 18 ફેબ્રુઆરી, 2026 સુધી મુલતવી રાખી છે.
શું આ ઐતિહાસિક બંગલો કોઈ ખાનગી ખરીદદારના હાથમાં જશે કે વારસદારો છેલ્લી ઘડીએ નાણાંની વ્યવસ્થા કરી શકશે, તે હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
