<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

નાગપુર મહાનગરપાલિકામાં ભાજપનો કેસરીયો: નીતા ઠાકરે બન્યા નાગપુરના નવા મેયર

મેયરની ચૂંટણીમાં નીતા ઠાકરેને 104 મત મળ્યા, કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર; રેશીમબાગ ખાતે મળેલી ખાસ બેઠકમાં રાજકીય સમીકરણો બદલાયા

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ મેયર પદ માટે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતા ઠાકરેએ વિજય મેળવીને મેયરની ખુરશી કબજે કરી છે. રેશીમબાગમાં આયોજિત નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ ખાસ બેઠકમાં યોજાયેલ મતદાનમાં ભાજપે વિપક્ષને પછાડીને બહુમતી સાબિત કરી દીધી છે.
મતદાનના આંકડા અને પક્ષીય સમીકરણ
મેયરની ચૂંટણીમાં ભાજપના નીતા ઠાકરેને કુલ 104 મતો મળ્યા હતા, જ્યારે તેમની સામે મેદાનમાં રહેલા કોંગ્રેસના ઉમેદવાર સ્નેહલ ઠાકરેને માત્ર 36 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આ ચૂંટણીમાં અન્ય પક્ષોની ભૂમિકા પણ નિર્ણાયક રહી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (શિંદે જૂથ) ના એક-એક સભ્યએ ભાજપના ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યું હતું. બીજી તરફ, શિવસેના (ઉદ્ધવ જૂથ) ના બંને મતો કોંગ્રેસના ફાળે ગયા હતા.
તટસ્થ રહી અનેક પક્ષોની ભૂમિકા
ચૂંટણી દરમિયાન બસપા (BSP), એઆઈએમઆઈએમ (AIMIM) અને મુસ્લિમ લીગના કુલ 11 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો અને તેઓ તટસ્થ રહ્યા હતા. આ વિજય સાથે નાગપુરમાં ભાજપનું શાસન વધુ મજબૂત બન્યું છે. નવા મેયર તરીકે નીતા ઠાકરે સામે હવે નાગપુરના વિકાસ અને લોકપ્રશ્નોને ઉકેલવાની મોટી જવાબદારી રહેશે.

(10:01 PM IST)