<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

પટનામાં મધ્યરાત્રિએ હાઈવોલ્ટેજ ડ્રામા : પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ૩૫ વર્ષ જૂના કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ

વોરંટ વગર કાર્યવાહીનો આક્ષેપ કરી સાંસદ પોલીસ સાથે ભિડાયા : સમર્થકોના ભારે હંગામા અને સૂત્રોચ્ચાર વચ્ચે પટના સિટી એસપીએ લોખંડી બંદોબસ્ત સાથે સાંસદને કસ્ટડીમાં લીધા

પટના : બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની શુક્રવારે મોડી રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ પટના પોલીસે ધરપકડ કરી છે. ૩૫ વર્ષ જૂના એક કેસમાં કોર્ટે જામીન રદ કરતા પોલીસ તેમના મંદિરી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. આ કાર્યવાહી દરમિયાન કલાકો સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો, જેમાં સાંસદના સમર્થકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પટના સિટી એસપી ભાનુ પ્રતાપ પોતે આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
‘વોરંટ ક્યાં છે?’ સાંસદનો સવાલ:
જ્યારે પોલીસની ટીમ સાંસદના ઘરે પહોંચી ત્યારે પપ્પુ યાદવે ધરપકડ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પોલીસ અધિકારીઓને પૂછ્યું હતું કે, "તમારી પાસે વોરંટ ક્યાં છે?" પોલીસે જવાબ આપ્યો હતો કે કોર્ટના આદેશ બાદ તેઓ ધરપકડ કરવા આવ્યા છે. પપ્પુ યાદવે આક્ષેપ કર્યો હતો કે તેમને અગાઉથી કોઈ સમન્સ કે નોટિસ આપવામાં આવી નથી અને અચાનક મધ્યરાત્રિએ પોલીસ તેમના ઘરે ત્રાટકી છે. સાંસદે એમ પણ કહ્યું કે જો વોરંટ હતું તો પોલીસ દિલ્હી કેમ ન આવી, કારણ કે અત્યારે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે.
સમર્થકોનો ભારે હંગામો:
પોલીસ કાર્યવાહીની જાણ થતાં જ સાંસદના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. સમર્થકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાંસદને લઈ જતી પોલીસ જીપનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઇન્સ્પેક્ટર દીપક અને અન્ય પોલીસકર્મીઓ સાથે સમર્થકોની ઉગ્ર ચર્ચાઓ થઈ હતી, જેમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કાયદાકીય ફરજ બજાવી રહ્યા છે અને તેમાં અવરોધ ન ઊભો કરવો જોઈએ.
‘મને લાગ્યું કે ગોળી મારી દેશે’ - પપ્પુ યાદવ:
ધરપકડ બાદ મીડિયા સાથેની વાતચીતમાં પપ્પુ યાદવે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, સિવિલ ડ્રેસમાં આવેલા એક શખ્સે તેમની સાથે ગુનેગાર જેવું વર્તન કર્યું હતું. તેમણે કહ્યું, "મને એક ક્ષણ માટે લાગ્યું કે આ કોણ આવી ગયું, ક્યાંક મને ગોળી તો નહીં મારી દે ને?" તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે વારંવાર પપ્પુ યાદવને જ કેમ નિશાન બનાવવામાં આવે છે અને તેમને ખતમ કરવાનું કાવતરું કેમ ઘડાઈ રહ્યું છે.
૩૫ વર્ષ જૂનો મામલો અને કુડકીની નોટિસ:
જાણકારી મુજબ, ૩૫ વર્ષ જૂના એક જૂના કેસમાં પપ્પુ યાદવના જામીન રદ થયા હતા. ત્રણ દિવસ પહેલા જ કોર્ટે તેમની મિલકતોની જપ્તી (કુડકી) ના આદેશ આપ્યા હતા, ત્યારબાદ પટના પોલીસ હરકતમાં આવી હતી. નોંધનીય છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તાજેતરમાં જ ગુનેગારોને બિહાર છોડી દેવાની ચેતવણી આપી હતી, જેના ગણતરીના દિવસોમાં જ આ હાઈ-પ્રોફાઈલ ધરપકડ કરવામાં આવી છે.

(12:13 AM IST)