<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

પ્‍લેટિનમની અમુક ચીજોની આયાત પર સરકારે નિયંત્રણો લાદ્યા

પ્‍લેટિનમ સાથે મોટા પ્રમાણમાં સોનાની ગેરકાયદે થતી આયાતને ડામવા માટે પ્રતિબંધ લાદ્યો

નવી દિલ્હી, તા.૭: પ્‍લેટિનમ સાથે મોટા પ્રમાણમાં સોનાની ગેરકાયદે થતી આયાતને ડામવા માટે સરકારે પ્‍લેટિનમની અમુક ચીજોની આયાત પર પ્રતિબંધ લાદ્યો હતો.

આઈટીસી એચએસ કોડ ૭૧૧૪૧૯૨૦ હેઠળની ચીજોની આયાત નીતિમાં ફેરફાર કરીને તેને મુક્‍તમાંથી નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હોવાનું ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્‍યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે એચએસ (હાર્મનાઈઝ્‍ડ સિસ્‍ટમ)કોડમાં પ્‍લેટિનમથી બનાવવામાં આવેલ ચીજોનો સમાવેશ થાય છે.

ઉદ્યોગના નિષ્‍ણાતોના મતાનુસાર અગાઉ પ્‍લેટિનમ એલોયના સ્‍વરૂપમાં સોનું આવી રહ્યું હતું અને આ છીંડું બંધ કરવામાં આવ્‍યું હતું, પરંતુ હવે પ્‍લેટિનમની ચીજોમાં સોનાની ભેળવણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૫માં દેશમાં કિંમતી ધાતુ ધરાવતી ચીજોની આયાત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીમાં બમણી થઈને ૯૭.૫ લાખ ડોલરની સપાટીએ રહી હતી.

જોકે, નોટિફિકેશન અનુસાર સરકારે ભારતીય ઓરિજિન ધરાવતી ચીજો જે નિકાસ પ્રોત્‍સાહન માટે વિદેશ લઈ જવામાં આવી હોય અથવા તો પ્રદર્શનમાં મૂકવામાં આવી હોય અથવા તેના સમારકામ માટે પાછી લાવવામાં આવી હોય અથવા રિજેક્‍ટ કરવામાં આવી હોય તો તેની પુનઃ આયાતને મંજૂરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્‍લેખનીય બાબત એ છે કે ગત સાલ સરકારે સોના અને પ્‍લેટિનમની ટેરિફના તફાવતનો લાભ લેવા માટે ગેરકાયદેસર ધોરણે પ્‍લેટિનમ એલોયમાં સોનાની ભેળવણી ડામવા માટે ૯૯ ટકા કરતાં ઓછી પ્‍યોરિટી ધરાવતા પ્‍લેટિનમ એલોયની આયાત પર નિયંત્રણો લાદ્યા હતા.

(9:54 AM IST)