<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ગીરના જંગલમાં સિંહો માટે રેલવે રક્ષક બનશે

સિંહોના અકસ્‍માતો રોકવા રેલ મંત્રી અશ્વિની વૈષ્‍ણવની જાહેરાત ૧૧૫ કિમીમાં આઈડીએસ કાર્યરત કરાશે : ૫ નવા અંડરપાસ ને ૧૧૫ કિ.મી.માં એઆઈ સિસ્‍ટમ્‍સથી સજ્જ થશે લાયન કોરિડોર

રાજકોટ/સાસણ ગીરઃ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્‍યમાંથી પસાર થતા રેલવે ટ્રેક હવે સિંહો માટે વધુ સુરક્ષિત બનશે. રાજ્‍યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિત જવાબમાં કેન્‍દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આ મહત્‍વની માહિતી પૂરી પાડી હતી.

૧૧૫ કિ.મી વિસ્‍તારમાં એઆઈ સિસ્‍ટમથી નજર રાખવામાં આવશેઃ  પヘમિ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળ આવતા દામનગર-પીપાવાવ સેક્‍શનના ૧૧૫ કિમી વિસ્‍તારમાં એઆઈ-આધારિત ઇન્‍ટ્રુઝન ડિટેક્‍શન સિસ્‍ટમ્‍સ (આઈડીએસ) ના અમલીકરણને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિસ્‍ટમ્‍સ અત્‍યંત આધુનિક છે, જે રેલવે ટ્રેકની આસપાસ સિહોની મૂવમેન્‍ટ થતા જ લોકો પાઇલટ્‍સ, સ્‍ટેશન માસ્‍ટર્સ અને કંટ્રોલ રૂમને ત્‍વરિત એલર્ટ મોકલશે. આ ટેકનોલોજીના કારણે ટ્રેનની ગતિને સમયસર નિયંત્રિત કરી શકાશે અને સંભવિત અકસ્‍માતોને રોકી શકાશે.

વધુ ૫ નવા અંડરપાસનું નિર્માણ કાર્ય પ્રગતિમાં: ગીર વિસ્‍તારમાં વન્‍યજીવોની મુક્‍ત અવરજવર માટે હાલમાં ૨ અંડરપાસ કાર્યરત છે. સિંહોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે રેલવે દ્વારા વધુ ૫ નવા અંડરપાસનું બાંધકામ હાથ ધરવામાં આવ્‍યું છે. આ અંડરપાસ એવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે કે સિહો ટ્રેક પર ચઢવાને બદલે નીચેથી સુરક્ષિત રીતે રસ્‍તો ઓળંગી શકે.

આઈડીએસ (ઇન્‍ટ્રુઝન ડિટેક્‍શન સિસ્‍ટમ)ની ખાસિયતો

વિસ્‍તારઃ ભાવનગર ડિવિઝનનો ૧૧૫ કિમીનો દામનગર-પીપાવાવ સેક્‍શન ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) આધારિત સેન્‍સર્સ  એલર્ટ સિસ્‍ટમઃ સિંહ ટ્રેકની નજીક આવતા જ લોકો પાઇલટ અને સ્‍ટેશન માસ્‍ટરને રીઅલ-ટાઇમમાં મેસેજ/સિગ્નલ મળશેઃ મુખ્‍ય ફાયદોઃ અંધારામાં કે વળાંકવાળા ટ્રેક પર પણ સિહોની હાજરી જાણી શકાશે.

રેલવે અને વન વિભાગ વચ્‍ચે ત્રિસ્‍તરીય સંકલન સિહોના સંરક્ષણ માટે રેલવે અને વન વિભાગ વચ્‍ચે સતત સંવાદ રહે તે માટે ત્રણ સ્‍તરની સમિતિઓની રચના કરવામાં આવી છેઃ

૧. સર્કલ લેવલ કમિટીઃ દર ત્રણ મહિને બેઠક. ૨. ડિવિઝનલ લેવલ કમિટીઃ દર બે મહિને બેઠક. ૩. રેન્‍જ લેવલ કમિટીઃ દર મહિને બેઠક.

આ સમિતિઓ રેલવે કોરિડોર નજીકના પડકારોની ચર્ચા કરે છે અને તેનું ત્‍વરિત નિરાકરણ લાવે છે. હાલમાં ગીર જંગલમાંથી પસાર થતી મીટરગેજ (એમ.જી) ટ્રેનોની ગતિ પણ સિહોની હાજરીવાળા વિસ્‍તારોમાં અત્‍યંત ધીમી રાખવામાં આવે છે.

સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નોઃ

શ્રી પરિમલ નથવાણીએ સરકાર પાસે નીચેની વિગતો માંગી હતી : ગીરમાં એલિવેટેડ રેલ કોરિડોર બનાવવાની સરકારની કોઈ યોજના છે?  જો યોજના હોય તો તેનો અભ્‍યાસ, ફન્‍ડિંગ અને પૂર્ણાહુતિની સમયરેખા શું છે? સિંહોના રક્ષણ માટે લેવાયેલા અન્‍ય ટેકનિકલ અને વહીવટી પગલાંની માહિતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે રેલવે સક્રિયપણે આ વિસ્‍તારમાં પર્યાવરણીય સંતુલન જાળવવા અને વન્‍યજીવોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. એલિવેટેડ કોરિડોર કે અન્‍ય મોટા પ્રોજેક્‍ટ્‍સ અંગેની વિચારણા વન વિભાગના સંકલનમાં રહીને કરવામાં આવશે.

પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિત જવાબમાં થયેલી જાહેરાતઃ ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સુરક્ષા વધારવા માટે કેન્‍દ્ર સરકારે મહત્‍વના પગલાં જાહેર કર્યા છે, હાલ કાર્યરત ૨ અંડરપાસ ઉપરાંત વધુ ૫ નવા અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, રેલવે ટ્રેક નજીક સિંહોની અવરજવર પર નજર રાખવા માટે ૧૧૫ કિમીના રેલવે સેક્‍શનમાં આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (એઆઈ) આધારિત સિસ્‍ટમ લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લોકો પાઇલટ્‍સને સમયસર એલર્ટ આપીને ટ્રેન અકસ્‍માતોમાં સિંહોના થતા મૃત્‍યુ અટકાવવાનો છે

(10:29 AM IST)