ભારત-અમેરિકા વેપાર સમજૂતીથી દેશના નિકાસકારોની લોટરી લાગી : રત્ન-આભૂષણો, ફાર્મા અને કૃષિ પેદાશો સહિતની અનેક ચીજો પર અમેરિકામાં હવે 'ઝીરો' ટેરિફ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેર કરી યાદી : ભારત માટેનો ૧૮% ટેરિફ રેટ પાડોશી દેશો કરતા પણ ઓછો હોવાથી વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા વધશે : ખેડૂતોના હિતોનું રક્ષણ કરાશે અને કોઈ પણ જીએમ પ્રોડક્ટ્સને ભારતમાં પ્રવેશ નહીં મળે

નવી દિલ્હી, તા. 7 ફેબ્રુઆરી : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી સીમાચિહ્નરૂપ વેપાર સમજૂતી બાદ દેશના નિકાસકારો અને અર્થતંત્ર માટે આશાના નવા કિરણો દેખાયા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શનિવારે આ ડીલ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કરારથી ભારતીય નિકાસને જબરદસ્ત વેગ મળશે. ખાસ કરીને ભારત માટે નક્કી કરવામાં આવેલો ૧૮% ટેરિફ રેટ પાડોશી દેશોની સરખામણીએ ઘણો ઓછો હોવાથી ભારતીય ચીજવસ્તુઓ અમેરિકી બજારમાં વધુ સસ્તી અને આકર્ષક બનશે. અગાઉ જે ટેરિફ ૫૦% હતો તેને ઘટાડીને ૧૮% કરી દેવામાં આવ્યો છે, જે ભારતની વિકાસગાથામાં નવો અધ્યાય લખશે.
આ ભારતીય ચીજવસ્તુઓ પર હવે કોઈ ટેક્સ નહીં લાગે:
પિયુષ ગોયલે એવી વસ્તુઓની લાંબી યાદી જાહેર કરી છે જેના પર અમેરિકા હવે શૂન્ય (ઝીરો) ડ્યુટી વસૂલશે. આ યાદીમાં રત્ન અને હીરા (Gems and Diamonds), જેનરિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને એરક્રાફ્ટના પાર્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્માર્ટફોન પર શૂન્ય ડ્યુટી ચાલુ રહેશે. કૃષિ ક્ષેત્રે પણ મોટી રાહત મળી છે, જેમાં મસાલા, ચા, કોફી, નારિયેળ અને નારિયેળ તેલ, સોપારી, કાજુ, પિસ્તા, ચેસ્ટનટ અને વેજીટેબલ વેક્સ જેવી ચીજો પર કોઈ ટેરિફ નહીં લાગે. ફળો અને શાકભાજીમાં એવોકાડો, કેળા, કેરી, અનાનસ, મશરૂમ અને કેટલીક બેકરી પ્રોડક્ટ્સને પણ અમેરિકામાં ડ્યુટી ફ્રી એન્ટ્રી મળશે.
ખેડૂતો અને સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ:
વાણિજ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ ડીલ દરમિયાન ભારતના સંવેદનશીલ કૃષિ અને ડેરી ક્ષેત્રોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે. ભારતીય ખેડૂતોની પેદાશો અમેરિકામાં શૂન્ય ડ્યુટી પર જશે, પરંતુ અમેરિકાના કૃષિ ઉત્પાદનોને ભારતીય બજારમાં કોઈ ટેરિફ રાહત આપવામાં આવી નથી. સૌથી મહત્વની વાત એ છે કે, આ કરાર હેઠળ અમેરિકાના કોઈ પણ જિનેટિકલી મોડિફાઈડ (GM) ઉત્પાદનોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આનાથી ભારતીય કૃષિ બજાર અને ગ્રાહકોના હિતોનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
પાંચ વર્ષમાં ૫૦૦ અબજ ડોલરની ખરીદી અને વ્યૂહાત્મક સંબંધો:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા આ કરાર મુજબ, ભારત આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે. આ ખરીદીમાં ઉર્જા, એરક્રાફ્ટ અને તેના પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી ઉત્પાદનો અને કોકિંગ કોલસાનો સમાવેશ થાય છે. એરક્રાફ્ટ પાર્ટ્સ પર સેક્શન ૨૩૨ હેઠળ મુક્તિ અને ઓટો પાર્ટ્સ પર ટેરિફ રેટ ક્વોટા મળવાથી 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને પણ મોટું પ્રોત્સાહન મળશે. આ સમજૂતીથી માત્ર વેપાર જ નહીં, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો પણ વધુ પ્રગાઢ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
