હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તેજસ્વી યાદવનો 'પાવર પેક્ડ' મિજાજ: "અમે નબળા નથી, બસ અમારો સમય નબળો છે : પણ અમારો સમય આવશે!"
પટણામાં RJD ના કાર્યકારી પ્રમુખ તરીકે તેજસ્વીએ સંભાળી કમાન: લાલુ પ્રસાદના સપનાને પૂરું કરવા અને પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે હોળી પછી 'બિહાર ભ્રમણ' ની કરી મોટી જાહેરાત

પટણા: બિહારના રાજકારણમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે. લાલુ પ્રસાદ યાદવના વારસદાર તેજસ્વી યાદવે શનિવારે પટણામાં આરજેડી (RJD) ના કાર્યકારી પ્રમુખ તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો છે. આ પ્રસંગે કાર્યકરોને સંબોધતા તેજસ્વી અત્યંત ભાવુક અને આક્રમક જણાતા હતા. તેમણે ભાજપ અને જેડીયુ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, તેમની સામે એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેઓ ડરવાના નથી. "જ્યારે મારી મૂછો પણ નહોતી ફૂટી, ત્યારથી મારી પાછળ CBI અને ED લગાવી દેવામાં આવ્યા છે," તેમ કહીને તેમણે પોતાની રાજકીય લડતને વધુ તેજ બનાવવાના સંકેતો આપ્યા છે.
તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સીધો પ્રહાર કરતા તેમને 'અધિકારીઓના મુખ્યમંત્રી' ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે બિહારમાં જનતાના સાચા નેતા માત્ર લાલુ પ્રસાદ જ છે અને વર્તમાન સરકાર કાવતરાંઓ દ્વારા સત્તામાં આવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભલે અત્યારે એનડીએનો સમય હોય, પણ ટૂંક સમયમાં જ આરજેડીનો સૂર્ય તપશે. કાર્યકરોમાં જોશ પૂરતા તેમણે સલાહ આપી કે જો હવે કોઈ પક્ષ કે નેતાનો દુરુપયોગ કરે તો ચૂપ રહેવાને બદલે જડબાતોડ જવાબ આપવો જોઈએ.
ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરતા તેજસ્વીએ જણાવ્યું કે તેમનું મુખ્ય લક્ષ્ય આરજેડીને ફરીથી 'રાષ્ટ્રીય પક્ષ' નો દરજ્જો અપાવવાનું છે. આ માટે તેઓ હોળીના તહેવાર બાદ તરત જ સમગ્ર બિહારના ખૂણેખૂણે જઈને જનતા સાથે સંવાદ કરશે અને બૂથ સ્તર સુધી સંગઠનને લોખંડી બનાવશે. તેમણે કાર્યકારી પ્રમુખ પદને માત્ર હોદ્દો નહીં પણ એક મોટી જવાબદારી ગણાવી હતી. હવે જોવાનું એ રહેશે કે તેજસ્વીની આ નવી ઈનિંગ બિહારના રાજકીય સમીકરણોમાં કેટલો મોટો ફેરફાર લાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
