<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

સાઉદીમાં વિદેશીઓ માટે મુશ્કેલી: સેલ્સ અને માર્કેટિંગ ક્ષેત્રે હવે સ્થાનિકોનો દબદબો વધશે

એપ્રિલ 2026 થી નવો નિયમ લાગુ: ભારતીયો સહિત લાખો પ્રવાસી કામદારો પર અસર થવાની શક્યતા

રિયાધ, તા.7: સાઉદી અરેબિયા સરકારે પોતાના 'વિઝન 2030' અંતર્ગત વધુ એક મોટું પગલું ભર્યું છે. સાઉદીના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સેલ્સ અને માર્કેટિંગ ક્ષેત્રે 'સાઉદીકરણ' (Saudization) નો વ્યાપ વધારવામાં આવશે. નવા નિયમ મુજબ, 19 એપ્રિલ 2026 સુધીમાં આ વ્યવસાયોમાં 60% જગ્યાઓ પર સાઉદી નાગરિકોની ભરતી ફરજિયાત કરવામાં આવી છે.
અત્યાર સુધી માર્કેટિંગ ક્ષેત્રે સાઉદી નાગરિકોનો હિસ્સો માત્ર 30% હતો, જેને સીધો બમણો કરીને 60% કરી દેવાયો છે. તેવી જ રીતે, સેલ્સ (વેચાણ) ક્ષેત્રે જ્યાં અત્યાર સુધી માત્ર 15% ની મર્યાદા હતી, ત્યાં પણ હવે 60% નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ખાસ કરીને માર્કેટિંગ મેનેજર, પબ્લિક રિલેશન્સ મેનેજર, ગ્રાફિક ડિઝાઇનર અને સેલ્સ સ્પેશિયાલિસ્ટ જેવા હોદ્દાઓ પર કામ કરતા વિદેશીઓની નોકરી પર જોખમ વધી શકે છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જે કંપનીઓમાં ત્રણ કે તેથી વધુ કર્મચારીઓ આ પ્રોફેશન્સમાં કામ કરે છે, તેમને આ નિયમ લાગુ પડશે. વધુમાં, સાઉદી કર્મચારીનો પગાર ઓછામાં ઓછો 5,500 રિયાલ (SAR) હશે તો જ તેને ક્વોટામાં ગણવામાં આવશે. જે કંપનીઓ આ નિયમનું પાલન નહીં કરે, તેમની સરકારી સેવાઓ જેવી કે વર્ક પરમિટ રિન્યુઅલ અને ટ્રાન્સફરની સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.

(6:21 PM IST)