News of Saturday, 7th February 2026
હિંદુ રાષ્ટ્રનું સપનું જોનારાઓએ નેપાળમાંથી બોધપાઠ લેવો જોઈએ:નામ લીધા વિના અરશદ મદનીની સલાહ
તેમણે કહ્યું કે કોઈ એક વિચારધારા થોપવાથી દેશનો વિકાસ શક્ય નથી: મદનીએ ભારતના સેક્યુલરિઝમ અને બંધારણની સુરક્ષા માટે અંતિમ શ્વાસ સુધી લડત આપવાની વાત કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશ ફરી પ્રેમ અને ન્યાયના માર્ગે ચાલશે

ભારતના મોટા સંગઠનોમાં સામેલ જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અરશદ મદનીએ સોશયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરીને કહ્યુ છે કે કોમવાદી શક્તિઓ અને કેટલાક સંગઠન હિંદુ રાષ્ટ્ર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે, જ્યારે તેમણે પોતાના પાડોશી દેશ નેપાળના ઈતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ.
અરશદ મદનીનું કહેવું છે કે નફરતના સોદાગર અને હિંદુ રાષ્ટ્રનું સપનું જોનારાઓએ નેપાળમાંથી બોધપાઠ લેવો જોઈએ. એક દિવસ એવો પણ અવશ્ય આવશે જ્યારે જાલિમોના ગળામાં ઝંઝીરો હશે અને દેશ ફરી એકવાર પ્રેમ, મોહબ્બત અને ઈન્સાફના સાયામાં (માર્ગમાં) તરક્કી કરશે.
મહત્વપૂર્ણ છે કે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની વિચારધારાથી પ્રેરણા મેળવીને બનેલા વિશ્વ હિંદુ પરિષદ સહિતના સંગઠનો ભારત હિંદુ રાષ્ટ્ર હોવાનું માને છે અથવા તો સામાન્ય લોકોમાં એવી છાપ છે કે આ સંગઠનો ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રથમ સરસંઘાચલક ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે સ્વતંત્રતા પૂર્વે જ ભારત હિંદુ રાષ્ટ્ર હોવાનું ઘોષિત કર્યું હતું. જો કે 15 ઓગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થયેલું ભારત બંધારણીય રીતે હિંદુ રાષ્ટ્ર ગણાવાયું નથી. ભારતનું બંધારણા 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ બંધારણના આમુખમાં 1976માં થયેલા સંશોધન મુજબ સેક્યુલારિઝ્મ અને સોશયલિઝમ જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આમ ભારતીય રાજ્ય એટલે કે શાસનનો કોઈ ધર્મ નથી એટલે કે ભારતીય શાસન ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક કે પંથનિરપેક્ષ છે. શાસનને ધર્મનિરપેક્ષ કહેવામાં પણ વિવાદ છે કે ધર્મ એટલે પૂજાપદ્ધતિ નહીં, પૂજાપદ્ધતિના અર્થમાં અંગ્રેજીમાં વપરાતા Religion શબ્દનું ભાષાંતર પંથ કે સંપ્રદાય થાય છે, માટે ભારત પંથનિરપેક્ષ કે સંપ્રદાયનિરપેક્ષ રાજ્ય છે.
આમ જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ અરશદ મદનીએ હિંદુ રાષ્ટ્રનું સપનું જોનારાઓને નેપાળમાંથી શીખ લેવાની સલાહ આપી છે. નેપાળ 1996 પહેલા વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર હતું. પરંતુ કમ્યુનિસ્ટો દ્વારા રાજાશાહી સામે થયેલા બળવાને પરિણામે નેપાળ હવે બંધારણીય સ્વરૂપે હિંદુ રાષ્ટ્ર નથી. તેથી અરશદ મદની હિંદુ રાષ્ટ્રનું સપનું જોનારાઓને પાડોશી દેશમાંથી બોધપાઠ લેવાની સલાહ આપી રહ્યા છે. આમ તો મદનીએ પોતાના નિવેદનમાં કોઈપણ સંગઠનનો સીધો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ પરોક્ષપણે તેમની સલાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેમના જેવી વિચારધારા ધરાવતા સંગઠનોને હોવાનું માનવામાં આવે છે. આમ મદની પોતાની સલાહ દ્વારા હિંદુ રાષ્ટ્રની વાત કરનારા સંગઠનોને પરોક્ષ પડકાર પણ ફેંકી રહ્યા હોવાનો સંકેત મળે છે. (Note: હિંદુ અને 'હિંદુ રાષ્ટ્ર' ચર્ચાનો અલગ મુદ્દો હોવાથી તેના સ્વરૂપ અને સ્વભાવ સંદર્ભે અહીં ચર્ચા કરવી અસ્થાને છે, તેથી તેના પર વિરામ આપીએ અને મદનીએ પોતાના નિવેદનમાં બીજી કઈ બાબતો કહી તેને જોઈએ. )
અરશદ મદનીએ કહ્યુ છે કે કોમવાદી શક્તિઓ અને કેટલાક સંગઠન હિંદુ રાષ્ટ્ર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે, જ્યારે તેમણે પોતાના પાડોશી દેશ નેપાળના ઈતિહાસમાંથી શીખ લેવી જોઈએ. તાજેતરના સમયમાં નેપાળમાં આ પ્રકારની વિચારધારા ધરાવનારાઓએ હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કર્યું હતું, પરંતુ આખરે તે વ્યવસ્થા સમાપ્ત થઈ ગઈ છે અને ત્યાં લોકતાંત્રિક બંધારણ હેઠળ એક નવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી.
તેમણે કહ્યુ કે આ તથ્યથી સ્પષ્ટ થાય છે કે પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં કોઈપણ દેશની વાસ્તવિક પ્રગતિ, સ્થિરતા અને જનકલ્યાણ ત્યારે શક્ય છે, જ્યારે ત્યાં લોકતાંત્રિક વ્યવસ્થા અને બંધારણીય મૂલ્યોની સુરક્ષા થાય, ન કે કોઈ એક ધર્મ અથવા એક વિચારધારાને રાષ્ટ્ર પર થોપીને.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
