<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ક્રિકેટના મહાજંગ પર સંકટ: શું પાકિસ્તાન ભારત સામે રમવા બાબતે 'યુ-ટર્ન' લેશે?

શ્રીલંકા ક્રિકેટ બોર્ડની આજીજી બાદ પીસીબી ચીફ મોહસીન નકવી સરકાર સાથે કરશે ખાસ ચર્ચા

કોલંબો: ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ ચૂકી છે અને પાકિસ્તાને નેધરલેન્ડ્સને હરાવીને વિજયી પ્રારંભ પણ કર્યો છે. પરંતુ, સમગ્ર વિશ્વ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે 15 ફેબ્રુઆરીની ભારત-પાકિસ્તાન મેચ પર હજુ પણ કાળા વાદળો છવાયેલા છે. પાકિસ્તાન સરકારના બહિષ્કારના નિર્ણયને પગલે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) મુશ્કેલીમાં મુકાયું છે. શ્રીલંકાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અપીલ કરી છે કે તેઓ આ હાઈ-વોલ્ટેજ મેચ રમવા અંગેના પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વાએ સીધો જ પાકિસ્તાની બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીનો સંપર્ક સાધ્યો છે. શ્રીલંકાનું કહેવું છે કે જો ભારત-પાકિસ્તાન જેવી મોટી મેચ રદ થાય, તો તેમને ટિકિટના વેચાણ અને આતિથ્ય સત્કારની આવકમાં કરોડોનું નુકસાન થઈ શકે છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને ધ્યાનમાં રાખીને, મોહસીન નકવીએ ખાતરી આપી છે કે તેઓ આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પરામર્શ કરશે.
નોંધનીય છે કે, અગાઉ પાકિસ્તાની સરકારે જાહેરાત કરી હતી કે તેઓ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. જોકે, શ્રીલંકાની આર્થિક સ્થિતિ અને ક્રિકેટ જગતના દબાણને જોતા હવે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન આ મામલે નરમ વલણ અપનાવી શકે છે. આ વિવાદ પર અંતિમ નિર્ણય સોમવાર સુધીમાં આવે તેવી શક્યતા છે. જો પાકિસ્તાન તૈયાર થશે, તો જ ફેબ્રુઆરી 15ના રોજ ચાહકોને એશિયાનો સૌથી મોટો મુકાબલો જોવા મળશે.

(7:00 PM IST)