ડોક્યુમેન્ટની ફોટોકોપી એ પુરાવો નથી: સુપ્રીમ કોર્ટનો મિલકત વેચાણ અંગે ઐતિહાસિક ચુકાદો
ઓરિજિનલ દસ્તાવેજ વગર માત્ર ઝેરોક્સના આધારે કરેલા સોદા અમાન્ય ઠરશે, પુરાવા અધિનિયમની કલમ 65 અંગે મોટી સ્પષ્ટતા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દસ્તાવેજની ફોટોકોપી (ઝેરોક્સ) ને ત્યાં સુધી પુરાવો માનવામાં આવશે નહીં જ્યાં સુધી ઓરિજિનલ દસ્તાવેજ રજૂ ન કરી શકવાના નક્કર કારણો સાબિત કરવામાં ન આવે. જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે જણાવ્યું હતું કે, ભારતીય પુરાવા અધિનિયમ (Evidence Act) ની કલમ 65 હેઠળની શરતો પૂર્ણ કર્યા વિના ફોટોકોપીને પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં.
આ કેસ મિલકતના વેચાણ માટે વપરાયેલા પાવર ઓફ એટર્ની (PoA) સાથે જોડાયેલો હતો. એક મહિલાએ દાવો કર્યો હતો કે તેણે માત્ર મિલકતની જાળવણી માટે મર્યાદિત પાવર આપ્યો હતો અને વેચાણની કલમો છેકી નાખી હતી. જ્યારે બીજી બાજુ, તેના ભાઈએ ફોટોકોપીવાળા પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી મિલકત પોતાના સંબંધીઓને વેચી દીધી હતી. ટ્રાયલ કોર્ટે આ વેચાણને રદ કર્યું હતું, જેને હાઈકોર્ટે પણ માન્ય રાખ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે પણ તે નિર્ણય પર મહોર મારી છે.
અદાલતે અવલોકન કર્યું કે ગૌણ પુરાવા (Secondary Evidence) સ્વીકારવાની પ્રક્રિયા બે તબક્કાની છે: પ્રથમ, પક્ષકારે એ સાબિત કરવું પડે કે ઓરિજિનલ દસ્તાવેજ ક્યાં છે અથવા તે કેવી રીતે ખોવાઈ ગયો છે. બીજું, તેણે સાબિત કરવું પડે કે ફોટોકોપી એ ઓરિજિનલની જ આબેહૂબ નકલ છે. જો પાયાની હકીકતો જ સાબિત ન થાય, તો કોર્ટ આવા દસ્તાવેજોને માન્ય રાખી શકે નહીં. આ ચુકાદાથી હવે મિલકતના સોદામાં થતી છેતરપિંડી પર મોટી રોક લાગશે.
સુપ્રીમ કોર્ટે શું ટાંક્યું?
• ગૌણ પુરાવા: ફોટોકોપી માત્ર ત્યારે જ માન્ય ગણાય જો ઓરિજિનલ ખોવાઈ ગયું હોય, નાશ પામ્યું હોય અથવા સામેવાળા પક્ષ પાસે હોય.
• ચકાસણી: કોર્ટની જવાબદારી છે કે તે દસ્તાવેજની સત્યતા તપાસે, માત્ર કોપી હોવાથી તેને સાચો માની શકાય નહીં.
• અસર: આ ચુકાદાથી પાવર ઓફ એટર્નીના દુરુપયોગ દ્વારા થતા ગેરકાયદેસર વેચાણ સામે મિલકત ધારકોને રક્ષણ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
