<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

યુરોપ જવાના સપના થશે સાકાર: EU એ જાહેર કરી પ્રથમ 'વિઝા વ્યૂહરચના', પ્રતિભાશાળી લોકો માટે લાલ જાજમ

વિઝા પ્રક્રિયા થશે ડિજિટલ અને ઝડપી; કુશળ કામદારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે નિયમો હળવા કરાયા

અમદાવાદ: યુરોપિયન યુનિયન (EU) એ વૈશ્વિક સ્તરેથી ટેલેન્ટને આકર્ષવા અને પ્રવાસને સરળ બનાવવા માટે તેની પ્રથમ 'વિઝા સ્ટ્રેટેજી' લોન્ચ કરી છે. આ નવી રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય શેન્જેન (Schengen) વિસ્તારની સુરક્ષા વધારવાની સાથે સાથે આર્થિક વિકાસને વેગ આપવાનો છે. ખાસ કરીને ભારત જેવા દેશોના કુશળ વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે હવે યુરોપના દ્વાર વધુ સરળતાથી ખૂલશે.
આ નવી વ્યૂહરચના હેઠળ વિઝા પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવશે, જેનાથી કાગળની કામગીરી ઘટશે અને વિઝા મળવામાં લાગતો સમય પણ ઓછો થશે. વર્ષ 2026 ના છેલ્લા ક્વાર્ટરથી 'ETIAS' સિસ્ટમ અમલમાં આવશે, જે મુસાફરી પહેલાની તપાસને ઓટોમેટિક બનાવશે. આ ઉપરાંત, જેઓ વારંવાર યુરોપની મુસાફરી કરે છે તેવા વિશ્વાસપાત્ર પ્રવાસીઓ માટે લાંબી અવધિના 'મલ્ટિપલ એન્ટ્રી વિઝા' ને પ્રોત્સાહન આપવામાં આવશે.
સૌથી મહત્વની બાબત એ છે કે બિન-યુરોપિયન દેશોના કુશળ કામદારો અને ઉદ્યોગસાહસિકો માટે લોંગ-સ્ટે વિઝા અને રેસિડેન્સ પરમિટની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સભ્ય દેશોને સૂચના આપવામાં આવી છે. યુરોપિયન કમિશને જણાવ્યું છે કે આ સુધારા દ્વારા યુરોપને વૈશ્વિક પ્રતિભાઓ માટે વધુ આકર્ષક બનાવવામાં આવશે, જ્યારે સરહદોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
 
નવી વિઝા વ્યૂહરચનાના 3 મુખ્ય ફાયદા:
•    ડિજિટલ ક્રાંતિ: વિઝા માટે હવે લાંબી લાઈનો કે કાગળોના ઢગલાને બદલે ઓનલાઈન અને ઝડપી પ્રક્રિયા પર ભાર મુકાશે.
•    મલ્ટિપલ એન્ટ્રી વિઝા: બિઝનેસમેન અને પ્રવાસીઓને લાંબા ગાળાના વિઝા મળવાથી વારંવાર અરજી કરવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે.
•    ટેલેન્ટ હબ: વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ માટે અભ્યાસ પૂરો કર્યા પછી કામ કરવા અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવા માટેના નિયમો સરળ બનાવવામાં આવશે.

(7:06 PM IST)