તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 7th February 2026
મુકેશ અંબાણીનો ગ્લોબલ ગેમ-પ્લાન: ઓસ્ટ્રેલિયાની હેલ્થ ડ્રિંક કંપનીમાં ખરીદ્યો મોટો હિસ્સો
રિલાયન્સ કન્ઝ્યુમર હવે વિદેશી બજારમાં મચાવશે ધૂમ: ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સની બ્રાન્ડ 'PACE' અને 'Nexba' હવે રિલાયન્સના પોર્ટફોલિયોમાં ભારતીય બજારમાં પણ થશે લોન્ચ

નવી દિલ્હી: ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીએ FMCG સેક્ટરમાં વધુ એક મોટો દાવ ખેલ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ હેલ્થ-ડ્રિંક કંપની 'ગુડનેસ ગ્રુપ ગ્લોબલ' (GGG) માં બહુમતી હિસ્સો ખરીદીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની તાકાત બતાવી છે. આ સોદો માત્ર ઓસ્ટ્રેલિયન બજારમાં પ્રવેશ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે 'બેટર-ફોર-યુ' એટલે કે સ્વાસ્થ્યપ્રદ પીણાંના ક્ષેત્રમાં રિલાયન્સને એક મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યો છે. આ હિસ્સો ખરીદવાની સાથે જ રિલાયન્સ હવે વિશ્વની મોટી FMCG કંપનીઓની સ્પર્ધામાં સીધી રીતે ઉતરી આવી છે.
આ ભાગીદારીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન પેટ કમિન્સ સાથે જોડાયેલું 'PACE' હાઇડ્રેશન ડ્રિંક છે. ક્રિકેટના દિવાના એવા ભારત જેવા દેશોમાં પેટ કમિન્સની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા રિલાયન્સ આ બ્રાન્ડને ટૂંક સમયમાં ભારતીય બજારમાં રજૂ કરી શકે છે. આ ઉપરાંત, આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી શૂન્ય-કેલરી ડ્રિંક 'Nexba', પ્રોટીન પીણું 'BISON' અને હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન 'GOOD BREKKIE' જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ પણ હવે રિલાયન્સના નેજા હેઠળ આવશે. રિલાયન્સના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે આ સોદાને રિલાયન્સને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા તરફનું એક મહત્વનું કદમ ગણાવ્યું છે.
ગુડનેસ ગ્રુપના સ્થાપક ટ્રોય ડગ્લાસે આ ભાગીદારી વિશે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે, રિલાયન્સ જેવું મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક મળવાથી આગામી પાંચ વર્ષમાં તેમની બ્રાન્ડ્સ 50 થી વધુ વૈશ્વિક બજારોમાં પહોંચી શકશે. મુકેશ અંબાણીની આ વ્યૂહરચના સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ હવે કોકા-કોલા અને પેપ્સી જેવી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપવા માટે 'હેલ્થ અને વેલનેસ' કેટેગરીમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. ભારતીય ગ્રાહકો માટે આનાથી સ્વાસ્થ્યપ્રદ અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના પીણાંના નવા વિકલ્પો ઉપલબ્ધ થશે, જે દેશમાં હેલ્થ ડ્રિંક્સના ટ્રેન્ડને એક નવી ઊંચાઈએ લઈ જશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
