<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

બસ્તરમાં નક્સલવાદના પાયા હચમચ્યા: 51 ખૂંખાર નક્સલીઓએ શસ્ત્રો હેઠા મૂક્યા : ગરિયાબંદમાં મળ્યો હથિયારોનો ખજાનો

કુલ 1.61 કરોડનું ઈનામ ધરાવતા નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડી મુખ્ય પ્રવાહમાં જોડાવાનો લીધો નિર્ણય: ઓડિશા સરહદે સુરક્ષા દળોએ 36 કલાકના ઓપરેશનમાં વિસ્ફોટકો અને રાઈફલોનો મોટો જથ્થો જપ્ત કર્યો

બસ્તર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનમાં સુરક્ષા દળોને એક ઐતિહાસિક સફળતા સાંપડી છે. એકસાથે 51 સક્રિય નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. આત્મસમર્પણ કરનારા આ માઓવાદીઓ પર સરકાર દ્વારા કુલ 1.61 કરોડ રૂપિયાનું મસમોટું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નક્સલીઓ લાંબા સમયથી જંગલના અંધકારમાં રહીને સુરક્ષા દળો પર હુમલા અને ગ્રામીણ વિસ્તારોમાં અરાજકતા ફેલાવવાનું કામ કરતા હતા, પરંતુ સરકારની પુનઃવસન નીતિ અને સુરક્ષા દળોના વધતા દબાણને કારણે તેઓએ હિંસાનો માર્ગ છોડી મુખ્ય પ્રવાહમાં જોડાવાનું નક્કી કર્યું છે.

આ આત્મસમર્પણની સાથે જ ગરિયાબંદ જિલ્લામાં નક્સલીઓના છુપાયેલા હથિયારના કારખાનાનો પણ પર્દાફાશ થયો છે. તાજેતરમાં શરણાગતિ સ્વીકારનારા નક્સલીઓની બાતમીના આધારે, સુરક્ષા દળોના ખાસ E-30 યુનિટે ઓડિશા સરહદ પર આવેલા મૈનપુર વિસ્તારમાં 36 કલાક લાંબુ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભાલુદીઘી અને મેટલ હિલ્સની પહાડીઓમાં છ અલગ-અલગ સ્થળોએથી પોલીસને INSAS રાઈફલ્સ, દેશી બનાવટના ગ્રેનેડ લોન્ચર (સુરકા), પિસ્તોલ અને મોટી માત્રામાં જીવતો દારૂગોળો મળી આવ્યો છે. આ હથિયારો ટેકરીઓમાં જમીનની અંદર દાટીને છુપાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ ભવિષ્યમાં મોટા હુમલાઓ માટે કરવાનો નક્સલીઓનો ઈરાદો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હથિયાર વર્કશોપ સીપીઆઈ (માઓવાદી) ની કેન્દ્રીય સમિતિના ત્રણ ટોચના નેતાઓની દેખરેખ હેઠળ કાર્યરત હતી, જેઓ ગયા વર્ષે એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. જપ્ત કરાયેલી વસ્તુઓમાં હથિયાર બનાવવાની લેથ મશીન જેવા સાધનો અને ઈલેક્ટ્રિકલ વાયરોના બંડલ પણ સામેલ છે, જે દર્શાવે છે કે નક્સલીઓ જંગલોમાં બેસીને આધુનિક હથિયારો બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. આ ઓપરેશનથી નક્સલીઓની સપ્લાય ચેઈન તૂટી ગઈ છે અને બસ્તરમાં શાંતિ સ્થાપવાની દિશામાં આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે. બસ્તર આઈજીએ જણાવ્યું છે કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓને સરકારની યોજના મુજબ આર્થિક સહાય અને પુનઃવસનની સુવિધા આપવામાં આવશે.

(7:16 PM IST)