News of Saturday, 7th February 2026
ભારતે રશિયાથી મન ફેરવ્યું અને ચીનની લોટરી લાગી: સસ્તા તેલના ખેલમાં 'ડ્રેગન' માલામાલ!
અમેરિકા સાથેના વેપાર કરાર બાદ ભારતે રશિયન ક્રૂડની ખરીદીમાં કર્યો ધરખમ ઘટાડો : તકનો લાભ ઉઠાવી રશિયાએ ચીન માટે ખજાનો ખોલ્યો અને રેકોર્ડબ્રેક ડિસ્કાઉન્ટ સાથે તેલનો પૂરવઠો મોસ્કોથી બેઇજિંગ તરફ વાળ્યો

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં અત્યારે એક મોટું 'ટ્વિસ્ટ' જોવા મળી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર કરારને કારણે વર્ષો જૂની મિત્રતાના સમીકરણો બદલાયા છે. અમેરિકાએ ભારતીય માલ પર ટેરિફ ઘટાડવાની શરત તરીકે રશિયન તેલની આયાત મર્યાદિત રાખવાનું દબાણ કર્યું, જેના પગલે ભારતે રશિયાથી અંતર જાળવવાનું શરૂ કર્યું છે. ભારતની આ 'ઉદાસીનતા' રશિયા માટે મુશ્કેલી લાવી પરંતુ ચીન માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રશિયાએ પોતાનું તેલ વેચવા માટે ચીનને એટલું મોટું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે કે ચીને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને રશિયન તેલનો જથ્થો પોતાના નામે કરી લીધો છે.
રશિયા અત્યારે પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને ભારતના પીછેહઠના કારણે તેલના ભંડારો ખાલી કરવા માટે મજબૂર બન્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયાએ ચીનને મોકલવામાં આવતા 'ESPO બ્લેન્ડ' પર પ્રતિ બેરલ 9 ડોલર સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. પરિણામે, જાન્યુઆરી 2026માં ચીને દરરોજ રેકોર્ડ 18.6 મિલિયન બેરલ તેલની આયાત કરી છે. ચીનની સ્વતંત્ર રિફાઇનરીઓ આ તકનો ભરપૂર લાભ ઉઠાવી રહી છે અને તેમણે સસ્તા રશિયન તેલને કારણે ઈરાન જેવા દેશો પાસેથી તેલ લેવાનું પણ ઓછું કરી દીધું છે. રશિયા માટે અત્યારે ચીન એકમાત્ર મોટો અને ભરોસાપાત્ર ખરીદદાર બનીને ઉભર્યું છે.
બીજી તરફ, ભારત જે એક સમયે રશિયન તેલનો સૌથી મોટો ગ્રાહક હતો, તેની આયાત હવે નવેમ્બર 2022 પછીના સૌથી નીચલા સ્તરે એટલે કે દરરોજ 1.1 મિલિયન બેરલ પર પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે, ભારત સંપૂર્ણપણે રશિયન તેલ બંધ નહીં કરે પરંતુ તેની નિર્ભરતા હવે અમેરિકા અને વેનેઝુએલા તરફ વધી રહી છે. JPMorgan ના વિશ્લેષકો માને છે કે ભારત પોતાની જરૂરિયાતનું 17 થી 21% તેલ રશિયા પાસેથી લેવાનું ચાલુ રાખશે, પરંતુ તે ગયા વર્ષના 2 મિલિયન બેરલના આંકડા કરતા ઘણું ઓછું હશે. આ બદલાતા પ્રવાહો દર્શાવે છે કે વૈશ્વિક ઉર્જા બજારમાં હવે રશિયા અને ચીન વચ્ચેની નિકટતા વધી રહી છે, જે ભારત માટે વ્યૂહાત્મક રીતે વિચારવા જેવી બાબત છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
