News of Saturday, 7th February 2026
સુભાષ ઘઈ થયા ભાવુક: પ્રથમ ફિલ્મ 'કાલીચરણ' ના 50 વર્ષ પૂર્ણ, શત્રુઘ્ન સિન્હાના એ અંદાજને યાદ કર્યો
૧૦ વર્ષના સંઘર્ષ પછી નિર્દેશક તરીકે મળી હતી ઓળખ; ઈન્સ્ટાગ્રામ પર જૂની તસવીરો શેર કરી વ્યક્ત કરી કૃતજ્ઞતા

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ નિર્દેશક સુભાષ ઘઈ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ અને યાદગાર સાબિત થયો છે. તેમની નિર્દેશક તરીકેની પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ 'કાલીચરણ' એ તેની રિલીઝના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ફેબ્રુઆરી, 1976ના રોજ રિલીઝ થયેલી આ એક્શન-થ્રિલર ફિલ્મે સુભાષ ઘઈને રાતોરાત સ્ટાર ડાયરેક્ટર બનાવી દીધા હતા. આ સુવર્ણ અવસર પર સુભાષ ઘઈએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના દિલની વાત શેર કરી હતી.
સુભાષ ઘઈએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની જૂની તસવીરો શેર કરતા લખ્યું કે, "આજથી બરાબર 50 વર્ષ પહેલા મારી જિંદગીમાં એક મોટો વળાંક આવ્યો હતો. જે દિવસે 'કાલીચરણ' રિલીઝ થઈ ત્યારે હું ખૂબ ગભરાયેલો હતો, કારણ કે તે પહેલાં મેં અભિનય અને લેખન ક્ષેત્રે 10 વર્ષ સુધી આકરો સંઘર્ષ કર્યો હતો." તેમણે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મની સફળતાએ જ તેમના જીવનની દિશા બદલી નાખી અને સિનેમામાં તેમની સફર શરૂ થઈ.
ફિલ્મ 'કાલીચરણ' માં શત્રુઘ્ન સિન્હા, રીના રોય, અજીત અને ડેની ડેન્ઝોંગપાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. શત્રુઘ્ન સિન્હાનો 'શોટગન' અંદાજ અને ફિલ્મનું ગીત 'જા રે જા ઓ હરજાઈ' તે સમયે જબરદસ્ત હિટ સાબિત થયા હતા. સુભાષ ઘઈએ તે સમયના નિર્માતાઓ અને ટેકનિશિયનોનો પણ આભાર માન્યો જેમણે એક બિનઅનુભવી નિર્દેશકના સપના પર ભરોસો મૂક્યો હતો. 'કાલીચરણ' માત્ર સુભાષ ઘઈ માટે જ નહીં, પણ શત્રુઘ્ન સિન્હાની કારકિર્દી માટે પણ એક માઈલસ્ટોન ફિલ્મ બની રહી હતી.
'કાલીચરણ' સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો:
• ડિરેક્ટર તરીકે ડેબ્યૂ: આ ફિલ્મ દ્વારા સુભાષ ઘઈએ બોલિવૂડમાં નિર્દેશક તરીકે કદમ રાખ્યા હતા.
• શત્રુઘ્ન સિન્હાનો ડબલ રોલ: એક પ્રમાણિક પોલીસ ઓફિસર અને તેના જેવો જ દેખાતો અપરાધી - આ વાર્તાએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
• સંવાદોનો જાદુ: વિલન અજીત (લાયન) ના સંવાદો આજે પણ જૂના ફિલ્મી ચાહકોમાં એટલા જ લોકપ્રિય છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
