હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જનરલ નરવણેનું પુસ્તક 'વેઇટિંગ લિસ્ટ' માં: 35 માંથી 34 પુસ્તકો પાસ, પણ પૂર્વ આર્મી ચીફની કલમ પર હજુ બ્રેક!
RTI માં મોટો ખુલાસો: સંરક્ષણ મંત્રાલયે છેલ્લા ચાર વર્ષમાં અનેક નિવૃત્ત અધિકારીઓના હસ્તપ્રતોને લીલી ઝંડી આપી : પરંતુ જનરલ મનોજ નરવણેના 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' પર કેમ મૌન?

નવી દિલ્હી: ભારતીય સૈન્યના નિવૃત્ત અધિકારીઓ દ્વારા લખાતા પુસ્તકો અને સંરક્ષણ મંત્રાલયની મંજૂરી પ્રક્રિયાને લઈને એક ચોંકાવનારો RTI રિપોર્ટ સામે આવ્યો છે. વર્ષ 2020 થી 2024 ના સમયગાળા દરમિયાન મંત્રાલયને કુલ 35 પુસ્તકોની હસ્તપ્રતો (મેન્યુસ્ક્રિપ્ટ) સમીક્ષા માટે મળી હતી. નવાઈની વાત એ છે કે, તેમાંથી લગભગ તમામ પુસ્તકોને મંજૂરી મળી ગઈ છે અથવા પ્રકાશનના માર્ગે છે, પરંતુ પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું પુસ્તક 'ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની' હજુ પણ સરકારી ફાઇલોમાં અટવાયેલું છે. આ બાબત એટલા માટે મહત્વની છે કારણ કે જનરલ નરવણેના નેતૃત્વમાં જ ભારતે ગલવાન ખીણમાં ચીન સામે સંઘર્ષ કર્યો હતો અને અગ્નિવીર જેવી યોજનાઓ અમલમાં આવી હતી.
RTI ના જવાબ મુજબ, વર્ષ 2023 માં સૌથી વધુ 16 ડ્રાફ્ટ્સ મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા. જનરલ એન.સી. વિજનું પુસ્તક 'અલોન ઇન ધ રિંગ' જે મે 2025 માં પ્રકાશિત થયું અને બ્રિગેડિયર જીવન રાજપુરોહિતનું 'લીડરશીપ બિયોન્ડ બેરેક્સ' પણ હવે મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યું છે. જોકે, જનરલ નરવણેનું પુસ્તક શા માટે અટકેલું છે તે અંગે મંત્રાલયે કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સરકાર પૂર્વ આર્મી ચીફનું ખૂબ સન્માન કરે છે અને આ મામલે વિપક્ષ ખોટું રાજકારણ રમી રહ્યો છે. સામાન્ય રીતે સેનાના વરિષ્ઠ અધિકારીઓએ નિવૃત્તિ પછી સંવેદનશીલ વિગતોના પ્રકાશન માટે પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે.
આ દરમિયાન, સંરક્ષણ મંત્રાલયે મેજર જનરલ જી.ડી. બક્ષી, લેફ્ટનન્ટ જનરલ યોગેશ કુમાર જોશી અને લેફ્ટનન્ટ જનરલ એસ.એ. હસનૈન જેવા દિગ્ગજ અધિકારીઓના પુસ્તકોને તાજેતરમાં મંજૂરી આપી દીધી છે. જનરલ નરવણેના પુસ્તકમાં લદ્દાખ સરહદ પર ચીન સાથેની તંગદિલી અને 'અગ્નિપથ' યોજનાના અમલીકરણ અંગેના કેટલાક સ્ફોટક ઘટસ્ફોટ હોવાની ચર્ચાને કારણે પ્રકાશનમાં વિલંબ થઈ રહ્યો હોવાનું મનાય છે. હવે જોવાનું એ રહેશે કે સંરક્ષણ મંત્રાલય ક્યારે આ હાઈ-પ્રોફાઈલ હસ્તપ્રતને ક્લિયરન્સ આપે છે કે પછી તેમાં કોઈ મોટા સુધારા સૂચવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
