<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ભારત-પાક મેચ પર સંકટના વાદળ: ICC એ પાકિસ્તાન બોર્ડની 'ચાલબાજી' પકડી પાડી : પૂછ્યો અણીયારો સવાલ

T20 વર્લ્ડ કપ 2026: 15 ફેબ્રુઆરીની મહાજંગનો બહિષ્કાર કરવા બદલ PCB ફસાયું; ICC એ પૂછ્યું - "જો બાકીની મેચો રમી શકાય, તો ભારત સામે જ રમવામાં કયો 'ફોર્સ મેજ્યુર' નડે છે?"

કોલંબો: આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટના મેદાન પર રાજકીય ગરમાવો તેજ થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવા અંગે ICC ને લેખિતમાં જાણ કરી છે. પાકિસ્તાને 'ફોર્સ મેજ્યુર' (અસાધારણ સંજોગો) કલમનો હવાલો આપીને પોતાની સરકારના આદેશનું બહાનું આગળ ધર્યું છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આ દલીલને ફગાવતા પાકિસ્તાનને પિંજરામાં ઊભું કરી દીધું છે. ICC એ સ્પષ્ટ સવાલ કર્યો છે કે, જો પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટની અન્ય તમામ મેચો રમવા માટે તૈયાર છે, તો માત્ર ભારત સામેની એક મેચ માટે જ સરકારી આદેશો કે કટોકટી કેવી રીતે લાગુ પડી શકે?

પાકિસ્તાન સરકારની સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કરીને PCB એ દાવો કર્યો હતો કે તેઓ બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામે નહીં રમે, કારણ કે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો છે. પરંતુ ICC એ આ દલીલને કાનૂની રીતે નબળી ગણાવી છે. 'ફોર્સ મેજ્યુર' જોગવાઈ સામાન્ય રીતે યુદ્ધ અથવા કુદરતી આફત જેવી અનિવાર્ય ઘટનાઓમાં જ લાગુ પડે છે, કોઈ રાજકીય પસંદગી કે અસુવિધા માટે નહીં. ICC એ PCB ને ચીમકી આપી છે કે જો આ રીતે 'પસંદગીયુક્ત ભાગીદારી' (સિલેક્ટિવ પાર્ટિસિપેશન) કરવામાં આવશે, તો તે વૈશ્વિક ટુર્નામેન્ટના મૂળ સિદ્ધાંતોનો ભંગ ગણાશે અને પાકિસ્તાન પર ભારે શિસ્તબદ્ધ કાર્યવાહી તેમજ આર્થિક દંડ પણ થઈ શકે છે.

હાલમાં ICC અને PCB વચ્ચે આ મુદ્દે બંધ બારણે ચર્ચા ચાલી રહી છે. ICC એ પાકિસ્તાન બોર્ડ પાસે પુરાવા માંગ્યા છે કે તેમણે આ મેચ રદ કરતા પહેલા કયા વૈકલ્પિક રસ્તાઓ શોધ્યા હતા. જો પાકિસ્તાન પોતાની જીદ પર અડગ રહેશે, તો તેને વર્લ્ડ કપના પ્રસારણ અધિકારો અને વ્યાપારી નુકસાનની ભરપાઈ પણ કરવી પડી શકે છે. ક્રિકેટ જગતની નજર હવે 15 ફેબ્રુઆરીની આ મેચ પર છે, કારણ કે આ માત્ર એક રમત નથી પણ કરોડો ડોલરની રેવન્યુ અને ચાહકોની લાગણી સાથે જોડાયેલો મામલો છે. શું પાકિસ્તાન નમતું જોખશે કે પછી વર્લ્ડ કપમાં આ મોટો બહિષ્કાર ક્રિકેટના ઈતિહાસમાં નવો વળાંક લાવશે, તે જોવું રસપ્રદ રહેશે.

(7:43 PM IST)