તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
યુપીના બાંદામાં બુલ્ડોઝર કાર્યવાહી દરમિયાન મોટી હોનારત: ૩ માળની ઇમારત મશીન પર ધરાશાયી
"ઝીરો સેફ્ટી પ્લાનિંગ": દબાણ હટાવતી વખતે ઓપરેટર કાટમાળ નીચે દબાયો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

બાંદા: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બબેરુ વિસ્તારમાં શુક્રવારે અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રસ્તાના પહોળીકરણ માટે ગેરકાયદે બાંધકામો હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એક ત્રણ માળની ઇમારત અચાનક પૉકલેન (Poclain) મશીન પર જ ધરાશાયી થઈ હતી. આ કરુણ ઘટનામાં મશીનનો ઓપરેટર કાટમાળ નીચે ફસાઈ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે.
સ્થાનિક અહેવાલો મુજબ, તંત્રની ટીમ સવારે ૭ વાગ્યાથી તિંદવારી રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી. આ માટે અડધો ડઝન જેસીબી અને ભારે પૉકલેન મશીનો તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે એક વેપારીની ઇમારત તોડવાનું કામ ચાલતું હતું, ત્યારે આખી ઇમારત પત્તાના મહેલની જેમ મશીન પર પડી હતી. મશીન ઓપરેટર દિલીપને તાત્કાલિક કાટમાળમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક પરંતુ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે, જેને જોઈને લોકો વહીવટીતંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવી રહ્યા છે. નેટિઝન્સે આને "ઝીરો સેફ્ટી પ્લાનિંગ" ગણાવીને તંત્રની ટીકા કરી છે. સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, તેમનો આરોપ છે કે સુરક્ષાની કોઈ પણ પૂરતી વ્યવસ્થા વિના આટલી જોખમી રીતે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે, રાહતની વાત એ છે કે ઇમારત અગાઉથી ખાલી કરાવી લેવામાં આવી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
