<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

સુરક્ષા સામે 'સ્ટાઈલ' હારી: ચીને કારના છુપાયેલા ડોર હેન્ડલ્સ પર મૂક્યો પ્રતિબંધ, એક ભયાનક અકસ્માતે બદલ્યા નિયમો

અકસ્માત બાદ કારમાં આગ લાગી અને હેન્ડલ બહાર ન આવ્યા; પથ્થરથી કાચ તોડી મુસાફરોને બચાવવા પડ્યા, વીડિયો વાયરલ થતા લેવાયો નિર્ણય

બેઇજિંગ:ચીને ઇલેક્ટ્રિક વાહનો (EV) માં વપરાતા 'રિટ્રેક્ટેબલ' એટલે કે છુપાયેલા (Hidden) દરવાજાના હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી જે ડિઝાઇનને અત્યાધુનિક અને એરોડાયનેમિક માનવામાં આવતી હતી, તે કટોકટીના સમયે જીવલેણ સાબિત થઈ રહી હોવાનું સામે આવ્યું છે. ચીનના ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ નિર્ણય એક કાર અકસ્માતનો વીડિયો વાયરલ થયા બાદ લીધો છે, જેમાં મુસાફરો કારની અંદર ફસાઈ ગયા હતા.

આ નિર્ણય પાછળ ૧૯ માર્ચ, ૨૦૨૫ના રોજ યુનાન પ્રાંતમાં બનેલી એક દુર્ઘટના જવાબદાર છે. ડોંગફેંગ E-Pi007 મોડલની એક કાર ટ્રક સાથે અથડાયા બાદ રસ્તા પરથી લપસી ગઈ હતી. અકસ્માત બાદ કારમાં ધુમાડો નીકળવા લાગ્યો અને જોતજોતામાં આગ લાગી ગઈ. ડ્રાઇવર બહાર નીકળવામાં સફળ રહ્યો, પરંતુ જ્યારે તેણે પાછળના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે કારના હેન્ડલ્સ અંદરની તરફ જ ફસાયેલા રહ્યા અને બહાર આવ્યા નહીં. પરિણામે, ત્રણ મુસાફરો સળગતી કારની અંદર જ કેદ થઈ ગયા હતા.
સદનસીબે, ડ્રાઇવરે એક રાહદારીની મદદથી પથ્થરો મારીને કારની બારીઓ તોડી નાખી અને મુસાફરોને બહાર કાઢ્યા. આ આખી ઘટના માત્ર ૫૨ સેકન્ડમાં બની હતી, જે બાદ આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. જો થોડી સેકન્ડોનો પણ વિલંબ થયો હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઓટોમોબાઈલ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો હતો અને નિષ્ણાતોએ સલામતીના ભોગે શૈલી (Style) ને મહત્વ આપવા સામે સવાલો ઉઠાવ્યા હતા.
શા માટે આ હેન્ડલ્સ ખતરનાક સાબિત થયા?
પાવર ફેલ્યોર: અકસ્માત સમયે કારની બેટરી કે ઇલેક્ટ્રિક સિસ્ટમ ઠપ્પ થઈ જાય તો હેન્ડલ બહાર આવતા નથી.
ઇમરજન્સી એક્સેસ: બહારથી બચાવ કામગીરી કરનારા લોકો માટે દરવાજો ખોલવો અશક્ય બની જાય છે.
અવ્યવહારુ ડિઝાઇન: દેખાવમાં આકર્ષક હોવા છતાં, અકસ્માત જેવી સ્થિતિમાં તે 'ડેથ ટ્રેપ' સમાન સાબિત થાય છે.
ચીન દ્વારા લેવાયેલા આ કડક નિર્ણય બાદ હવે વૈશ્વિક સ્તરે ટેસ્લા અને અન્ય લક્ઝરી કાર ઉત્પાદકો પણ પોતપોતાની ડિઝાઇન પર પુનઃવિચાર કરે તેવી શક્યતા છે. સલામતીના નવા નિયમો મુજબ હવે કારમાં મેન્યુઅલ અથવા ફિઝિકલ ઓપરેટ થઈ શકે તેવા હેન્ડલ્સ હોવા અનિવાર્ય બની શકે છે.

(10:35 PM IST)