<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ડ્રેગનની 'ગોલ્ડ' ભૂખ: ચીને સતત 15મા મહિને ખરીદ્યું ટનબંધ સોનું, વૈશ્વિક બજારમાં ભય ભારે તેજી-મંદીનો માહોલ

ચીનનો સોનાનો ભંડાર $369 બિલિયનને પાર; સિક્કા અને લગડીઓની ખરીદીમાં 35%નો ઉછાળો, જાણો તમારી ખરીદી પર શું થશે અસર

બેઇજિંગ:વૈશ્વિક અર્થતંત્રમાં અત્યારે 'સોના'ને લઈને ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, જેનું કેન્દ્રબિંદુ ચીન બન્યું છે. ચીનની સેન્ટ્રલ બેંક, પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBoC) એ સતત ૧૫મા મહિને સોનાની ખરીદી ચાલુ રાખીને સમગ્ર વિશ્વના નાણાકીય બજારોને ચોંકાવી દીધા છે. તાજેતરના અહેવાલો મુજબ, જાન્યુઆરી ૨૦૨૬ના અંત સુધીમાં ચીનનો કુલ સોનાનો ભંડાર વધીને ૭૪.૧૯ મિલિયન ટ્રોય ઔંસ પર પહોંચી ગયો છે.
ચીને માત્ર સોનાનો જથ્થો જ નથી વધાર્યો, પરંતુ તેના મૂલ્યમાં પણ જંગી ઉછાળો આવ્યો છે. ડિસેમ્બરમાં જે ભંડારનું મૂલ્ય $૩૧૯.૪૫ બિલિયન હતું, તે જાન્યુઆરીના અંત સુધીમાં વધીને $૩૬૯.૫૮ બિલિયન થઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ડોલર સામેના જોખમોને જોતા ચીન પોતાની સંપત્તિને સુરક્ષિત રાખવા માટે સોનાનો સંગ્રહ કરી રહ્યું છે. જોકે, નવાઈની વાત એ છે કે ચીનમાં જ્વેલરીનો વપરાશ ઘટ્યો છે, પરંતુ સુરક્ષિત રોકાણ તરીકે સોનાના બાર (લગડી) અને સિક્કાની ખરીદીમાં ૩૫ ટકાનો તોતિંગ વધારો થયો છે.
સોનાના ભાવમાં પણ અત્યારે હિમાલય જેવા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. જાન્યુઆરીમાં સટ્ટાબાજીને કારણે સોનું $૫,૬૦૦ પ્રતિ ઔંસની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ, અમેરિકામાં ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ તરીકે કેવિન વોર્શની નિમણૂકના સમાચાર બાદ ભાવમાં કડાકો બોલાયો હતો. હાલમાં સોનું $૪,૯૬૦ પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ચીનની આ 'ગોલ્ડ એક્શન'ની સીધી અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી શકે છે, કારણ કે વૈશ્વિક સ્તરે થતી આવી મોટી ખરીદી ભાવને અસ્થિર રાખે છે.
ચીનના ગોલ્ડ માર્કેટના મહત્વના આંકડા:
 સતત ખરીદી: છેલ્લા ૧૫ મહિનાથી ચીનની સેન્ટ્રલ બેંક સોનું એકઠું કરી રહી છે.
રોકાણમાં ઉછાળો: સોનાના સિક્કા અને લગડીઓની માંગમાં ૩૫.૧૪% નો વધારો.
કુલ વપરાશ: ૨૦૨૫ માં કુલ સોનાનો વપરાશ ૩.૭૫% ઘટીને ૯૫૦ મેટ્રિક ટન રહ્યો.
ભાવની વધઘટ: સોનાએ $૫,૬૦૦ની ટોચ જોયા બાદ હાલ $૪,૯૬૦ પર સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યું છે

(11:08 PM IST)