હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીના રસ્તા પર 'મોતનો ખાડો': બાઇક સવાર યુવાન ૧૪ ફૂટ ઊંડા ખાડામાં છ કલાક સુધી તરફડતો રહ્યો અને કોન્ટ્રાક્ટર તેને મરવા માટે છોડીને ભાગી ગયો
જનકપુરીમાં સુરક્ષાના સાધનો વગર ખોદાયેલા કાળમુખા ખાડાએ ૨૫ વર્ષીય કમલનો ભોગ લીધો; અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પેટા કોન્ટ્રાક્ટરે મદદ કરવાને બદલે પાપ છુપાવવા પલાયન થવાનું મુનાસિબ માન્યું - માનવતાને શરમાવતી ઘટનામાં પોલીસે આરોપી રાજેશ પ્રજાપતિની કરી ધરપકડ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના જનકપુરી વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી અને એક કોન્ટ્રાક્ટરની અમાનવીયતાએ ૨૫ વર્ષીય આશાસ્પદ યુવાન કમલ ધ્યાનીનો જીવ લીધો છે. વોટર વર્ક્સના પ્રોજેક્ટ માટે રસ્તાની વચ્ચે ખોદવામાં આવેલા ૧૪ ફૂટ ઊંડા જીવલેણ ખાડામાં કમલ તેની બાઇક સાથે ખાબક્યો હતો. આ ઘટના ત્યારે વધુ ગંભીર બની જ્યારે જાણવા મળ્યું કે, અકસ્માતની જાણ થતા પેટા કોન્ટ્રાક્ટર રાજેશ પ્રજાપતિ સ્થળ પર આવ્યો હતો, તેણે લોહીલુહાણ હાલતમાં ખાડામાં પડેલા યુવાનને જોયો પણ ખરો, પરંતુ જેલના ડરથી તે પોલીસ કે એમ્બ્યુલન્સને ફોન કર્યા વગર જ ત્યાંથી ચૂપચાપ ભાગી છૂટ્યો હતો.
આ કરુણ અકસ્માત પાછળ નિર્લજ્જ બેદરકારીના અનેક પુરાવા મળી આવ્યા છે. જે ખાડાએ કમલનો ભોગ લીધો, તેની આસપાસ કોઈ પણ જાતના બેરિકેડ્સ, રિફ્લેક્ટર કે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. રાત્રિના અંધકારમાં કમલ માટે આ ખુલ્લો ખાડો 'ડેથ ટ્રેપ' સાબિત થયો હતો. અકસ્માત બાદ કમલની બાઇકની હેડલાઇટ કલાકો સુધી ચાલુ રહી હતી, જે એ વાતનો પુરાવો હતો કે તે જીવિત હતો અને કોઈ તેની મદદ માટે આવે તેવી આશામાં હતો. કમનસીબે, તે કાદવ અને ગંદા પાણીથી ભરેલા અંધારા ખાડામાં છ કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો.
આ મામલે પોલીસે જ્યારે તપાસ તેજ કરી ત્યારે વિપિન સિંહ નામના એક પ્રત્યક્ષદર્શીની જુબાનીથી ચોંકાવનારો ખુલાસો થયો હતો. વિપિને અકસ્માત જોઈને તાત્કાલિક સ્થાનિક ગાર્ડને જાણ કરી હતી અને ગાર્ડે કોન્ટ્રાક્ટરના મજૂર યોગેશને એલર્ટ કર્યો હતો. મજૂરે તેના માલિક રાજેશ પ્રજાપતિને બોલાવ્યો, પણ રાજેશે માનવતા બતાવવાને બદલે પાપ છુપાવવાનું નક્કી કર્યું. સવારે જ્યારે અન્ય લોકોની નજર પડી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને કમલે દમ તોડી દીધો હતો.
પોલીસે હવે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે પેટા કોન્ટ્રાક્ટર રાજેશ પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે પોલીસ કેસથી ડરી ગયો હોવાથી પીડિતને મદદ કર્યા વગર જ ભાગી ગયો હતો. આ ઘટનાએ દિલ્હીમાં રસ્તાઓ પર ચાલતા વિકાસકામોની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ પાટનગરના રસ્તાઓ પર માસૂમ લોકો આવી રીતે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ બની રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
