<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિકનું તાંડવ: 32 કલાકના ટેન્કર હાઈડ્રામા બાદ ફરી હાઈવે ઠપ્પ, ચૂંટણી અને ભારે વાહનોના ધસારાએ મુસાફરોની રજા બગાડી

ખંડાલા ઘાટમાં વાહનોની 50 કિમી લાંબી કતારો; જિલ્લા પરિષદની ચૂંટણીને કારણે પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઉછાળો અને અટવાયેલા કન્ટેનરોએ એક્સપ્રેસવેને બનાવ્યો પાર્કિંગ લોટ - પાંચ કલાકના વિલંબથી મુસાફરોમાં ભારે રોષ અને પોલીસની ટ્રાફિક બ્લોક દ્વારા સ્થિતિ કાબૂમાં લેવાની મથામણ

પુણે: મુંબઈ અને પુણે વચ્ચેની મુસાફરી હવે સુવિધાને બદલે સજા બની રહી હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે આડોશી ટનલ પાસે પ્રોપીલીન ટેન્કર પલટી જવાની ઘટના બાદ સર્જાયેલી 32 કલાકની ભયાનક અગ્નિપરીક્ષામાંથી મુસાફરો માંડ બહાર આવ્યા હતા, ત્યાં શનિવારે ફરી એકવાર આ એક્સપ્રેસવે પર ટ્રાફિક જામનું ગ્રહણ લાગ્યું છે. વીકેન્ડના ધસારા સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીનો માહોલ ભળતા હાઈવે પર વાહનોની સંખ્યામાં એટલો વધારો થયો કે આખો કોરિડોર ઠપ્પ થઈ ગયો. ખાસ કરીને ખંડાલા ઘાટના વળાંકોમાં ભારે વાહનો ફસાઈ જતાં મુસાફરો કલાકો સુધી ગાડીઓમાં અટવાઈ પડ્યા હતા.

આ ટ્રાફિક જામની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વાહનોની લાઇન 50 કિમી સુધી લંબાઈ હતી. સામાન્ય રીતે બેથી ત્રણ કલાકમાં પતતી મુસાફરી હવે પાંચથી છ કલાક લઈ રહી છે. કેપી ટ્રાવેલ્સના સીઈઓ પ્રદીપ માલપોટેએ જણાવ્યું હતું કે, "પુણેથી મુંબઈ જતી 25થી વધુ ગાડીઓ પાંચ કલાકથી વધુ સમય લેતી હતી. હાઈવે પર ટ્રાફિક જામ માટે મુખ્યત્વે ભારે વાહનો જવાબદાર છે." ટ્રકો અને કન્ટેનરો તમામ લેનમાં ફેલાયેલા હોવાને કારણે નાની કારોને નીકળવા માટે જગ્યા મળતી નથી, જે પરિસ્થિતિને વધુ વણસાવી રહી છે.

હાઈવે પોલીસના જણાવ્યા અનુસાર, આ ટ્રાફિક જામ પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીને કારણે ગામડાઓ અને શહેરો વચ્ચે લોકોની અવરજવર વધી છે. બીજું, અઠવાડિયાની શરૂઆતમાં ટેન્કર અકસ્માતને કારણે જે હજારો ભારે વાહનો રોકી દેવામાં આવ્યા હતા, તે હવે એકસાથે હાઈવે પર આવી જતાં લોડ વધી ગયો છે. આડોશી ટનલ અને લોનાવાલા એક્ઝિટ પાસે સ્થિતિ સૌથી વધુ ખરાબ જોવા મળી રહી છે, જ્યાં વાહનો કીડીની ગતિએ સરકી રહ્યા છે.

પરિસ્થિતિને થાળે પાડવા માટે હાઈવે પોલીસ દ્વારા સમયાંતરે 'ટ્રાફિક બ્લોક' લાગુ કરવામાં આવી રહ્યા છે, જેથી વાહનોના ભારને તબક્કાવાર વહેંચી શકાય. જોકે, મુસાફરો માટે આ વીકેન્ડ અત્યંત થકવી નાખનારો સાબિત થયો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ એક્સપ્રેસવે પરની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. હવે વહીવટીતંત્ર માટે પડકાર એ છે કે ચૂંટણીના આગામી દિવસોમાં આ વ્યૂહાત્મક માર્ગ પર ટ્રાફિકનું સંચાલન કેવી રીતે કરવું, જેથી સામાન્ય પ્રવાસીઓને આવી અગ્નિપરીક્ષામાંથી પસાર ન થવું પડે.

(10:56 AM IST)