<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ઉન્નાવ કાંડ: જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે જામીન માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, કાલે થશે મહત્વની સુનાવણી

પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહેલા સેંગરે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો; ખોટી રીતે ફસાવ્યા હોવાની દલીલ સાથે મુક્તિની માંગ - દેશભરમાં ચર્ચાયેલા અત્યંત સંવેદનશીલ કેસમાં સર્વોચ્ચ અદાલતના વલણ પર સૌની મીટ

નવી દિલ્હી: ઉન્નાવ બળાત્કાર કાંડના મુખ્ય સૂત્રધાર અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની કાનૂની લડાઈ હવે સુપ્રીમ કોર્ટના આંગણે પહોંચી છે. પીડિતાના પિતાના પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં નીચલી અદાલતે ફટકારેલી ૧૦ વર્ષની જેલની સજા સામે સેંગરે જામીન અરજી દાખલ કરી છે. અગાઉ ૧૯ જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો, જેને સેંગરે હવે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. આ અરજી પર સોમવારે એટલે કે ૯ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
કુલદીપ સિંહ સેંગરે પોતાની જામીન અરજીમાં એવી દલીલ કરી છે કે તેઓ આ કેસમાં નિર્દોષ છે અને તેમને રાજકીય કે અન્ય કારણોસર ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જોકે, આ કેસની પૃષ્ઠભૂમિ અત્યંત ગંભીર છે. ઉન્નાવ બળાત્કાર કેસની પીડિતાના પિતાને ખોટા કેસમાં જેલમાં ધકેલ્યા બાદ પોલીસ કસ્ટડીમાં તેમનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ જન્માવ્યો હતો અને ત્યારબાદ સીબીઆઈ તપાસમાં સેંગરની સંડોવણી સામે આવતા અદાલતે તેમને કડક સજા સંભળાવી હતી.
કાનૂની આંટીઘૂંટીની વાત કરીએ તો, સેંગરને મૂળ બળાત્કાર કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેઓ હાલ જેલમાં સજા કાપી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, બળાત્કારના કેસમાં હાઈકોર્ટે અગાઉ તેમને જામીન આપ્યા હતા, પરંતુ પીડિતા પક્ષની રજૂઆતો બાદ સુપ્રીમ કોર્ટે તે જામીન પર સ્ટે લગાવી દીધો હતો. હવે પિતાના મૃત્યુના કેસમાં પણ જો સુપ્રીમ કોર્ટ જામીન ન આપે તો સેંગર માટે જેલના સળિયા પાછળથી બહાર આવવું લગભગ અશક્ય બની જશે.
આવતીકાલની સુનાવણી પર કાયદાકીય નિષ્ણાતો અને પીડિતાના પરિવારની નજર ટકેલી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય લે છે તે માત્ર સેંગરનું ભવિષ્ય જ નહીં, પરંતુ ઉન્નાવ કાંડમાં ન્યાયની પ્રક્રિયાને પણ એક નવી દિશા આપશે. પીડિતાના પરિવારે હંમેશા સેંગરના બહાર આવવાથી તેમના જીવને જોખમ હોવાની ભીતિ વ્યક્ત કરી છે, જે બાબત અદાલત ધ્યાને લેશે કે કેમ તે જોવું રહ્યું.

(12:02 PM IST)