હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાલ ગ્રહ પર માનવ વસાહતનું કાઉન્ટડાઉન: એલોન મસ્ક 2050 સુધીમાં મંગળ પર 10 લાખ લોકોનું શહેર વસાવવા સજ્જ
પૃથ્વી બહાર જીવન શોધવાની જંગમાં રોબોટ્સ બનશે ‘એડવાન્સ આર્મી’; સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટ દ્વારા 2026માં શરૂ થશે મહાભિયાન - હાડ થીજવતી ઠંડી અને ઝેરી હવા વચ્ચે મંગળને બીજું ઘર બનાવવા ભારત સહિત વિશ્વભરના વિજ્ઞાનીઓનું મિશન ‘રેડ પ્લેનેટ’

નવી દિલ્હી: પૃથ્વી કાયમ માટે અસ્તિત્વમાં રહેશે કે કેમ તે પ્રશ્ન વચ્ચે મનુષ્ય હવે બ્રહ્માંડમાં નવું સરનામું શોધી રહ્યો છે. સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કે મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવા માટેની "ભવ્ય તૈયારીઓ" તેજ કરી દીધી છે. મસ્કનો દાવો છે કે જો ભવિષ્યમાં પૃથ્વી પર કોઈ મોટી આફત આવે, તો મનુષ્ય પાસે 'બહુ-ગ્રહીય પ્રજાતિ' (Multi-planetary species) તરીકે જીવિત રહેવાનો વિકલ્પ હોવો જોઈએ. આ યોજનાના ભાગરૂપે વર્ષ 2050 સુધીમાં મંગળ પર 10 લાખ લોકોનું સ્વ-નિર્ભર શહેર સ્થાપવાનું લક્ષ્ય છે. આ મિશનમાં ભારતની ઇસરો જેવી સંસ્થાઓનું સંશોધન પણ વૈશ્વિક સ્તરે માર્ગદર્શક બની રહ્યું છે.
મસ્કની વ્યૂહરચના મુજબ, મંગળની ધરતી પર પહેલું પગલું લોહી-માંસનો માણસ નહીં પણ લોખંડનો રોબોટ લેશે. ટેસ્લાના અત્યાધુનિક 'ઓપ્ટીમસ હ્યુમનૉઇડ' રોબોટ્સને એડવાન્સ પાર્ટી તરીકે મોકલવામાં આવશે, જે મનુષ્યોના પહોંચતા પહેલા ત્યાં રહેઠાણ, સોલાર પેનલ્સ અને સૌથી અગત્યનું ઓક્સિજન ઉત્પન્ન કરતા મશીનો તૈયાર કરશે. આ રોબોટ્સ મંગળના પેટાળમાં છુપાયેલા બરફની શોધ કરશે, જેનો ઉપયોગ પીવાના પાણી અને રોકેટ ઇંધણ બનાવવા માટે થશે. ટેક્સાસના 'સ્ટારબેઝ' ખાતે દર વર્ષે સેંકડો સ્ટારશિપ રોકેટ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે 500 ફૂટ ઊંચાઈ ધરાવતું વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ છે.
ડિસેમ્બર 2026 એ આ મિશન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે, કારણ કે ત્યારે પૃથ્વી અને મંગળ એકબીજાની સૌથી નજીક હશે. મસ્ક આ સમયગાળામાં પાંચ માનવરહિત સ્ટારશિપ મંગળ પર ઉતારવાની યોજના ધરાવે છે. જો આ પરીક્ષણ સફળ રહેશે, તો આગામી ચાર વર્ષમાં માનવોને લાલ ગ્રહ પર મોકલવાની પ્રક્રિયા શરૂ થશે. જોકે, પડકારો પણ અપાર છે; મંગળ પરનું સરેરાશ તાપમાન -62°C છે અને ત્યાંની હવામાં ઓક્સિજનનું પ્રમાણ નહિવત છે. ઉપરાંત, ત્યાં આવતા ભયાનક ધૂળના તોફાનો અને જીવલેણ રેડિયેશન મનુષ્યો માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે.
મંગળના રહસ્યો ઉકેલવામાં ભારતનું યોગદાન પણ અત્યંત મહત્વનું રહ્યું છે. 2014માં પ્રથમ પ્રયાસે મંગળની ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ હવે ઇસરો 'મંગળયાન-2' ની તૈયારી કરી રહ્યું છે, જેમાં લેન્ડર અને રોવરને મંગળની સપાટી પર ઉતારવામાં આવશે. મંગળ પર પૃથ્વી કરતા ગુરુત્વાકર્ષણ ઘણું ઓછું હોવાથી ત્યાંનું જીવન એક અલગ જ અનુભવ હશે. મસ્કે સ્વીકાર્યું છે કે શરૂઆતના મિશનમાં સફળતાની શક્યતા 50-50 છે, છતાં જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે તે જોતા આગામી દાયકાઓમાં મંગળ પર આપણો કોઈ સંબંધી રહેતો હોય તે વાત હવે વિજ્ઞાન-કથા જેવી અશક્ય લાગતી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
