હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અગ્નિવીર ભરતી ૨૦૨૬ના નિયમોમાં મોટો ફેરફાર : ૪ વર્ષની સેવા દરમિયાન લગ્ન કરનારને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરાશે
ભારતીય સેનાનું અત્યાર સુધીનું સૌથી કડક ફરમાન : હવે ફોર્મ ભરતી વખતે જ ટ્રેડ પસંદ કરવો ફરજિયાત : શારીરિક કસોટી પહેલા ઓનલાઇન પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે

નવી દિલ્હી : ભારતીય સેનામાં અગ્નિવીર બનીને દેશની સેવા કરવા માંગતા યુવાનો માટે વર્ષ ૨૦૨૬ની ભરતી પ્રક્રિયામાં પાયાના ફેરફારો કરવામાં આવ્યા છે. સેના દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, આ વખતે માત્ર અરજી કરવાની પદ્ધતિ જ નથી બદલાઈ, પરંતુ શિસ્તના નિયમોને પણ અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. સૌથી મહત્વનો અને ચોંકાવનારો ફેરફાર ઉમેદવારોના વૈવાહિક દરજ્જાને લઈને કરવામાં આવ્યો છે, જે મુજબ હવે લગ્ન કરેલા ઉમેદવારો અગ્નિવીર બની શકશે નહીં.
લગ્ન અંગેનો કડક નિયમ: ૪ વર્ષ સુધી રહેવું પડશે અપરિણીત
સેનાએ સ્પષ્ટ કર્યું છે કે અગ્નિવીર યોજના હેઠળ ભરતી થનારા યુવાનોએ તેમની સેવાના સંપૂર્ણ ૪ વર્ષના સમયગાળા દરમિયાન અપરિણીત રહેવું પડશે. જો કોઈ ઉમેદવાર તાલીમ અથવા સેવા દરમિયાન લગ્ન કરે છે, તો તેને તાત્કાલિક પ્રભાવથી સેવામુક્ત (નોકરીમાંથી બરતરફ) કરી દેવામાં આવશે. આ નિયમ પાછળનો તર્ક એવો આપવામાં આવ્યો છે કે અગ્નિવીરો તેમનું સંપૂર્ણ ધ્યાન તાલીમ અને દેશસેવા પર કેન્દ્રિત કરી શકે. જો કોઈ ઉમેદવાર અગાઉથી પરિણીત હોવાનું જણાશે, તો તેને ભરતી પ્રક્રિયામાંથી જ બહાર કરી દેવાશે.
ટ્રેડ પસંદગીમાં નવું ગણિત
અત્યાર સુધી ઉમેદવારોને ભરતી રેલી બાદ ટ્રેડ (કાર્યક્ષેત્ર) ફાળવવામાં આવતા હતા, પરંતુ હવે અરજી ફોર્મ ભરતી વખતે જ ટ્રેડની પસંદગી કરવી અનિવાર્ય છે.
* ૧૦મું પાસ ઉમેદવાર: વધુમાં વધુ ૯ અલગ-અલગ ટ્રેડનો વિકલ્પ પસંદ કરી શકશે.
* ૮મું પાસ ઉમેદવાર: આ ઉમેદવારો માટે ૨ ટ્રેડના વિકલ્પ આપવામાં આવ્યા છે.
અરજી સમયે આપેલી પ્રાથમિકતાના આધારે જ નક્કી થશે કે તાલીમ પછી કયા વિભાગમાં કામ મળશે. એક મોટી રાહત એ આપવામાં આવી છે કે ઉમેદવાર પોતાની લાયકાત મુજબ એક જ ફોર્મમાં બે અલગ-અલગ પદો (જેમ કે GD અને ટેકનિકલ) માટે અરજી કરી શકશે, જેનાથી સમય અને ફીની બચત થશે.
પસંદગી પ્રક્રિયાનો ક્રમ બદલાયો
વર્ષ ૨૦૨૬ની ભરતીમાં હવે સૌથી પહેલા ઓનલાઇન 'કોમન એન્ટ્રન્સ એક્ઝામ' (CEE) લેવામાં આવશે. આ લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોને જ શારીરિક ક્ષમતા કસોટી (Physical Fitness Test) અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. શારીરિક ધોરણોમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી, જોકે ૧.૬ કિમીની દોડ પૂર્ણ કરવા માટેના સમય મર્યાદાના નિયમોમાં થોડી લવચીકતા (રાહત) આપવામાં આવી છે.
ભારતીય સેનાએ ૨૦૨૬-૨૭ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને યુવાનોને આ નવા નિયમોને સમજીને જ અરજી કરવા તાકીદ કરી છે. આ નવા નિયમોથી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
