હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારના રાજકારણમાં ગરમાવો: પપ્પુ યાદવની ધરપકડ મુદ્દે વિપક્ષ એકજૂથ, રાહુલ-પ્રિયંકા બાદ હવે તેજસ્વી યાદવ મેદાનમાં
NEET વિદ્યાર્થીનીના રહસ્યમય મોતનો મુદ્દો ઉઠાવતા સાંસદ પપ્પુ યાદવને ૩૧ વર્ષ જૂના કેસમાં જેલમાં ધકેલાયા; વિપક્ષે તેને 'રાજકીય બદલો' ગણાવ્યો - માતા શાંતિ પ્રિયા દેવીની સરકારને ખુલ્લી ચેતવણી અને દીકરીના ન્યાય માટે લડતા અવાજને દબાવવાના પ્રયાસ સામે બિહારમાં ભારે આક્રોશ

પટના: બિહારના રાજકારણમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડને લઈને અત્યારે સંગ્રામ છેડાયો છે. ૩૧ વર્ષ જૂના એક કેસમાં પપ્પુ યાદવની અચાનક ધરપકડ કરવામાં આવતા વિપક્ષી નેતાઓ લાલઘૂમ થયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સમર્થન બાદ હવે આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ આ લડાઈમાં ઝંપલાવ્યું છે. તેજસ્વી યાદવે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, પપ્પુ યાદવ પટના NEET વિદ્યાર્થીનીના કેસમાં સતત સરકારને સવાલો પૂછી રહ્યા હતા અને સત્ય ઉજાગર કરી રહ્યા હતા, જેનાથી ડરીને સરકારે તેમનો અવાજ દબાવવા માટે આ કાવતરું ઘડ્યું છે.
રાહુલ ગાંધીએ આ ધરપકડને ભાજપ-એનડીએનું 'જુનું મોડેલ' ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પટનામાં દીકરીના શંકાસ્પદ મોત બાદ તેના પરિવારને ન્યાય અપાવવાને બદલે અવાજ ઉઠાવનારા સાંસદને જેલમાં ધકેલી દેવા એ ન્યાયની હત્યા છે. રાહુલના મતે, આ માત્ર રાજકારણ નથી પણ બિહારની દીકરીઓના સન્માન અને સુરક્ષાનો પ્રશ્ન છે. પ્રિયંકા ગાંધીએ પણ હાથરસ અને ઉન્નાવ જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ સરકાર હંમેશા પીડિતોને બદલે ગુનેગારોની પડખે ઉભી રહેતી જોવા મળે છે, અને પપ્પુ યાદવની ધરપકડ તે અસંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ છે.
આ સમગ્ર વિવાદ પટનાની એક હોસ્ટેલમાં NEET ની તૈયારી કરતી વિદ્યાર્થીની પર બળાત્કાર અને તેની હત્યાના ગંભીર આરોપોથી શરૂ થયો હતો. પપ્પુ યાદવે આ કેસમાં પોલીસની તપાસ પર શંકા વ્યક્ત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે કોઈ મોટા માથાઓને બચાવવા માટે કેસને રફેદફે કરવામાં આવી રહ્યો છે. પપ્પુ યાદવના પક્ષમાં જનતાનો ટેકો પણ વધી રહ્યો છે. તેમની માતા શાંતિ પ્રિયા દેવીએ ભાવુક થઈને કહ્યું કે, જો તેમના પુત્રને જેલમાં કંઈ પણ થશે તો તે કોઈને છોડશે નહીં. આ ભાવનાત્મક વળાંકે હવે આ મુદ્દાને માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક આંદોલન બનાવી દીધું છે.
બિહારમાં હાલમાં 'ન્યાય યાત્રા' જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં વિપક્ષી દળો એક થઈને સરકારને ઘેરી રહ્યા છે. તેજસ્વી યાદવે ચેતવણી આપી છે કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ લોકશાહી માટે ખતરનાક છે. બીજી તરફ, સરકાર આ ધરપકડને કાયદેસરની પ્રક્રિયા ગણાવી રહી છે. પરંતુ જે રીતે એક પછી એક મોટા નેતાઓ પપ્પુ યાદવના સમર્થનમાં આવી રહ્યા છે, તે જોતા આગામી દિવસોમાં બિહારના રસ્તાઓ પર મોટા વિરોધ પ્રદર્શનો અને રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
