<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો વિજયધ્વજ : પીએમ ક્રિસ્ટોફર લક્સન અને પ્રબોધ સ્વામીજીના હસ્તે ‘હરિ સુમિરન’ સેન્ટરનું લોકાર્પણ

ઓકલેન્ડમાં ૧૮૦૦થી વધુ વૈશ્વિક ભક્તોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન : વડાપ્રધાને ભારતીય સમુદાયની શિસ્ત અને સેવાકાર્યોને બિરદાવ્યા : ભારત સાથેના મુક્ત વેપાર કરારની પ્રગતિની પણ લીધી નોંધ

ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ)  : સનાતન ભારતીય સંસ્કૃતિની "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવનાને વિદેશની ધરતી પર ચરિતાર્થ કરતો એક અદ્વિતીય પ્રસંગ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં યોજાયો હતો. હરિ પ્રબોધમ્ પરિવાર દ્વારા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં "હરિ સુમિરન કમ્યુનીટી સેન્ટર" ના નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૭ ફેબ્રુઆરીના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને ખાસ ઉપસ્થિત રહીને ભારતીય સંસ્કારોની સુવાસને બિરદાવી હતી.
વડાપ્રધાનની ઉપસ્થિતિ અને ભવ્ય સ્વાગત:
ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને સેન્ટરની મુલાકાત લઈ ભારતીય પરંપરા મુજબ પૂજન કરીને આશીર્વાદ લીધા હતા. તેમણે મુખ્ય મંદિરના સ્થાન પર પધારીને ખાત મુહૂર્તના પ્રતીક રૂપે ભૂમિખનન પણ કર્યું હતું. આ ઉત્સવમાં ભારત, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, યુકે, અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાંથી ૧૮૦૦ થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાને યુવાનો સાથે સેલ્ફી લીધી હતી અને નારી સશક્તિકરણનું કાર્ય કરનાર સાધ્વી બહેનો સાથે પણ મુલાકાત કરી હતી. આયોજન સમિતિ દ્વારા તેમને વિશિષ્ટ સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પીએમ લક્સનનું પ્રભાવશાળી વક્તવ્ય:
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માત્ર સામુદાયિક દાન અને સેવા ભાવનાથી નિર્મિત આ પ્રોજેક્ટ એકતાનું વિશિષ્ટ ઉદાહરણ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સેન્ટર આગામી પેઢી માટે જ્ઞાન અને સંસ્કારનું કેન્દ્ર બનશે. વિશેષમાં, તેમણે ભારત સાથેના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી મોદી સાથે થયેલા વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) પૂર્ણ થયાની પણ નોંધ લીધી હતી. સંસ્થા દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ ક્ષેત્રે થતા કાર્યોની તેમણે મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
મહાનુભાવોની હાજરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ:
આ પ્રસંગે ન્યુઝીલેન્ડના મંત્રી માર્ક મિચેલ (Minister of Police & Ethnic Communities) એ પણ હાજરી આપી શાંતિ અને સામુદાયિક સેવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ભારતના કોન્સ્યુલેટ જનરલ ડૉ. મદન મોહન સેઠી શોભાયાત્રામાં જોડાયા હતા અને પૂર્વ કોન્સ્યુલેટ જનરલ ભાવ ધિલ્લોન પણ આખો દિવસ ઉત્સવમાં સહભાગી રહ્યા હતા. પ્રધાનમંત્રી નિર્ધારિત સમય કરતા વધુ સમય રોકાઈને, હરિ પ્રબોધમ્ પરિવારની શિસ્તથી પ્રભાવિત થઈને મહાપ્રસાદ લીધા બાદ રાત્રે ૯ વાગ્યે વિદાય થયા હતા.
ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વચન સાથે આ ઉત્સવ સંપન્ન થયો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પૂજ્ય શાશ્વતસ્વામી, સેક્રેટરી અશોકભાઈ, ન્યુઝીલેન્ડ સત્સંગ વિભાગના પ્રમુખ મોહનભાઈ ડાયા અને અનેક સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

(2:13 PM IST)