News of Sunday, 8th February 2026
બજેટના નાણાં વણવપરાયેલા: 2025ના બજેટની 60% રકમ 9 મહિના પછી પણ તિજોરીમાં જ પડી રહી
કૃષિ અને લોકકલ્યાણની યોજનાઓમાં ખર્ચની ગતિ અત્યંત ધીમી; પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ફાળવેલ 850 કરોડમાંથી માત્ર 150 કરોડ જ વપરાયા

[નવી દિલ્હી/અમદાવાદ] : કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સામાન્ય જનતા અને ખાસ કરીને ખેડૂતો માટે મોટા ઉપાડે બજેટની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2025ના બજેટના આંકડાઓ પર નજર કરીએ તો, નાણાકીય વર્ષના 9 મહિના વીતી ગયા હોવા છતાં 60% જેટલી માતબર રકમ હજુ સુધી વપરાઈ નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ખેડૂતોના હિત માટેની મહત્વકાંક્ષી યોજનાઓ પાછળ સૌથી ઓછો ખર્ચ નોંધાયો છે.
કૃષિ ક્ષેત્રે ખર્ચમાં ઉદાસીનતા
સરકારી આંકડાઓ મુજબ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે રૂ. 850 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર રૂ. 150 કરોડ જ ખર્ચાયા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને જળ વ્યવસ્થાપન જેવી મહત્વની કડીઓ પર પણ બજેટનો માત્ર 40% જેટલો જ હિસ્સો ખર્ચવામાં આવ્યો છે. આ સ્થિતિ સૂચવે છે કે ખેડૂતલક્ષી યોજનાઓના અમલીકરણમાં તંત્ર ક્યાંક પાછળ રહી ગયું છે.
યોજનાવાર ખર્ચની વિગતો:
કુલ 53 મુખ્ય યોજનાઓમાંથી 6 યોજનાઓ એવી છે જેમાં ખર્ચ 40% થી પણ ઓછો થયો છે. જ્યારે 15 યોજનાઓમાં 51 થી 75% ખર્ચ થયો છે. માત્ર 6 યોજનાઓ જ એવી છે જેમાં બજેટની 100% રકમનો ઉપયોગ થઈ શક્યો છે.
* આરોગ્ય અને શિક્ષણ: આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિષ્યવૃત્તિ યોજનાઓમાં પણ 40% જ ખર્ચ થયો છે.
* મનરેગા: ગ્રામીણ રોજગારીની કરોડરજ્જુ સમાન મનરેગા યોજનામાં પણ ફાળવણી સામે ખર્ચની ગતિ ધીમી જોવા મળી છે.
* જળ જીવન મિશન: જોકે, જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જણાવ્યા મુજબ જળ જીવન મિશન હેઠળ 16 કરોડ ઘરોને નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે અને આ યોજનાને 2028 સુધી લંબાવવામાં આવી છે.
બજેટનું ગણિત:
કુલ 53 યોજનાઓ માટે રૂ. 5 લાખ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું, જેની સામે 31 ડિસેમ્બર સુધીમાં માત્ર રૂ. 2 લાખ કરોડ (લગભગ 41.2%) જ રિલીઝ કરવામાં આવ્યા છે. બાકીની 60% રકમ નાણાકીય વર્ષ પૂરું થવાને આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે કઈ રીતે વપરાશે તે એક મોટો પ્રશ્ન છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
