<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ક્રિકેટના મેદાનમાં રાજકારણનો પડછાયો: ભારત સામેના બહિષ્કારનો નિર્ણય પાકિસ્તાનની 'નિરાશા'નું પરિણામ!

ICCના પૂર્વ વડા અહેસાન મણિએ PCBને ખખડાવ્યું; કહ્યું- "ધમકી આપવા કરતા સંવાદ સાધ્યો હોત તો રસ્તો નીકળત, હવે પાકિસ્તાન એકલું પડી ગયું"

નવી દિલ્હી :આગામી 15મી ફેબ્રુઆરીએ રમાનારી હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે. પાકિસ્તાન સરકાર દ્વારા ભારત સામે રમવાનો ઈનકાર કર્યા બાદ ક્રિકેટ જગત સ્તબ્ધ છે. આ ગંભીર મુદ્દે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના પૂર્વ ચેરમેન અહેસાન મણિએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વલણની આકરી ટીકા કરી છે. મણિના મતે, આ કોઈ વ્યૂહાત્મક નિર્ણય નથી પરંતુ પાકિસ્તાનની ઘેરી નિરાશા અને લાચારીનું પ્રદર્શન છે.
રાજકીય હસ્તક્ષેપને કારણે ખેલ બગડ્યો
અહેસાન મણિએ આ પરિસ્થિતિ માટે રાજકીય હસ્તક્ષેપને જવાબદાર ગણાવતા ચેતવણી આપી છે કે હવે મામલો એટલો વણસી ગયો છે કે તેનો ઉકેલ લાવવો મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે, "પાકિસ્તાન બોર્ડને એવું લાગી રહ્યું છે કે તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે. જોકે, તેની સામે બહિષ્કારનું શસ્ત્ર ઉગામવું એ કોઈ ઉકેલ નથી. જ્યારે હું ICCના ચેરમેન હતો, ત્યારે અમે આવા વિવાદોને ટેબલ પર બેસીને ઉકેલતા હતા."
પાકિસ્તાન વૈશ્વિક સ્તરે એકલું પડ્યું
મણિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ICC બોર્ડમાં જ્યારે પણ નિર્ણયો લેવાય છે ત્યારે તે સર્વસંમતિથી લેવાતા હોય છે. વર્તમાન વિવાદમાં પાકિસ્તાન સાવ એકલું પડી ગયું છે. PCBના કઠોર વલણને કારણે બાકીના સભ્ય દેશો પણ તેનાથી અંતર જાળવી રહ્યા છે.
મેચ રમાશે કે કેમ? સસ્પેન્સ યથાવત
પાકિસ્તાનની ધમકી બાદ હવે ICC અને PCB વચ્ચે 'બેક-ચેનલ' એટલે કે પડદા પાછળની વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. જોકે, પાકિસ્તાન સરકાર પોતાના નિર્ણય પર અડગ રહેશે તો 15મી ફેબ્રુઆરીની મેચ રદ થઈ શકે છે, જેની સીધી અસર T20 વર્લ્ડ કપ 2026ના ભવિષ્ય પર પડશે.

(1:40 PM IST)