<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ભારત-અમેરિકા વેપાર કરારના વિરોધમાં ખેડૂતોનું રણશિંગું: "પીયૂષ ગોયલ રાજીનામું આપે"ના નારા સાથે દેશવ્યાપી આંદોલનની એંધાણી

ખેતી અને ડેરી ક્ષેત્રને અમેરિકન કંપનીઓના હવાલે કરવાના આરોપ સાથે સંયુક્ત કિસાન મોરચાએ આપી સરકારને સીધી ચેતવણી; 12 ફેબ્રુઆરીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને પૂતળા દહનનો કાર્યક્રમ

નવી દિલ્હી: દેશના અગ્રણી ખેડૂત સંગઠનોએ ભારત અને અમેરિકા વચ્ચેના નવા વેપાર કરાર સામે આરપારની લડાઈ લડવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) અને અખિલ ભારતીય કિસાન સભા (AIKS) જેવા સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે આ કરાર ભારતીય કૃષિ અને ડેરી ઉદ્યોગ માટે 'ડેથ વોરંટ' સમાન છે. ખેડૂત નેતાઓએ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પર ખેડૂતોને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોરવાનો ગંભીર આરોપ મૂક્યો છે અને નૈતિકતાના ધોરણે તેમના રાજીનામાની માગણી કરી છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.

ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકાર જે 'મુક્ત વેપાર'ની વાત કરી રહી છે, તે વાસ્તવમાં ભારતીય બજારોને અમેરિકન બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે ખુલ્લા મૂકવાનું ષડયંત્ર છે. સરકારના દાવાઓને નકારતા ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ છે કે ભારત કૃષિ પેદાશો પરના બિન-ટેરિફ અવરોધો દૂર કરવા સંમત થયું છે. આનાથી અમેરિકાનું સસ્તું અને સબસિડી વાળું ઉત્પાદન ભારતીય બજારમાં ઠલવાશે, જેના કારણે પહેલેથી જ દેવાના બોજ હેઠળ દબાયેલા નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાશે.

AIKS ના નેતા કૃષ્ણ પ્રસાદે ચિંતા વ્યક્ત કરી છે કે આ કરારથી સૂકા પશુ આહાર, લાલ જુવાર અને સોયાબીન તેલ જેવા ઉત્પાદનો માટે ભારતના દ્વાર ખૂલી જશે. તેમના મતે આ સોદો ભારતીય ખેડૂતોના હિત માટે નહીં, પરંતુ પશ્ચિમી દેશોની નબળી પડતી અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે કરવામાં આવ્યો છે. દર્શન પાલ અને રાકેશ ટિકૈત જેવા દિગ્ગજ નેતાઓએ પણ ગામડાઓમાં વધતી જતી આર્થિક સમસ્યાઓ તરફ ધ્યાન દોરીને ખેડૂતોને આ આત્મઘાતી કરાર સામે એકજૂટ થવા અપીલ કરી છે.

આ વિરોધના ભાગરૂપે, ખેડૂત સંગઠનોએ આગામી 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી સામાન્ય હડતાળ અને વિરોધ પ્રદર્શનની યોજના બનાવી છે. આ દિવસે દેશભરમાં ભારત અને અમેરિકાના નેતાઓના પૂતળા બાળીને આક્રોશ વ્યક્ત કરવામાં આવશે. ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો આ કરારને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં નહીં આવે, તો દિલ્હીની સરહદો પર થયેલા અગાઉના આંદોલન જેવું જ એક વિશાળ અને સંયુક્ત જન આંદોલન છેડવામાં આવશે.

(1:58 PM IST)