<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ : ભવિષ્યના ડોક્ટરો માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ : જાણો વિગતવાર

3 મેના રોજ લેવાશે દેશની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા : આધાર આધારિત ઈ-કેવાયસી અને લાઈવ ફોટો કેપ્ચર સહિતના નવા ફેરફારો સાથે 13 ભાષાઓમાં યોજાશે પરીક્ષા : 8 માર્ચ સુધી અરજી કરી શકાશે

નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ વર્ષ 2026 માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) ની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા આજથી એટલે કે 8 ફેબ્રુઆરીથી શરૂ કરી દીધી છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વની ઘડી છે. આ પરીક્ષાના આધારે જ દેશભરની મેડિકલ કોલેજોમાં MBBS, BDS, AYUSH કોર્સ, BVSc & AH, BHMS અને આર્મ્ડ ફોર્સીસ હોસ્પિટલોમાં B.Sc. નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે.
મહત્વની તારીખો અને સમયપત્રક:
NEET UG 2026 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ 2026 (રાત્રે 9:00 વાગ્યા સુધી) નક્કી કરવામાં આવી છે. જ્યારે પરીક્ષા ફી ભરવા માટે 8 માર્ચના રાત્રે 11:50 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થાય, તો તેના સુધારા માટે 10 થી 12 માર્ચ દરમિયાન કરેક્શન વિન્ડો ખુલ્લી રહેશે. મુખ્ય પરીક્ષા રવિવાર, 3 મે 2026 ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા દરમિયાન 'પેન અને પેપર' મોડમાં લેવામાં આવશે.
નિયમોમાં ફેરફાર અને જરૂરી સૂચનાઓ:
આ વર્ષે NTA એ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે આધાર આધારિત ઈ-કેવાયસી (eKYC) અને લાઈવ ફોટો કેપ્ચર જેવા મહત્વના ફેરફારો કર્યા છે. ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે એક વિદ્યાર્થી માત્ર એક જ ફોર્મ ભરી શકશે; જો કોઈ વિદ્યાર્થી એકથી વધુ ફોર્મ ભરશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 13 ભાષાઓમાં યોજાશે. ફોર્મ ભરતી વખતે પસંદ કરેલી ભાષા પાછળથી બદલી શકાશે નહીં.
કેટેગરી મુજબ પરીક્ષા ફી:
ભારતની અંદર પરીક્ષા કેન્દ્રો માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 1700 રૂપિયા, જનરલ-EWS અને OBC-NCL કેટેગરી માટે 1600 રૂપિયા તથા SC, ST, PwBD અને થર્ડ જેન્ડર માટે 1000 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. ભારતની બહારના કેન્દ્રો માટે તમામ કેટેગરીની ફી 9500 રૂપિયા રાખવામાં આવી છે. પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI દ્વારા કરી શકાશે.
અરજી કરવાની પ્રક્રિયા:
ઇચ્છુક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ nta.ac.in અથવા neet.nta.nic.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, સ્કેન કરેલી સહી અને રહેઠાણનો પુરાવો અપલોડ કરવો પડશે. NTA એ સલાહ આપી છે કે વિદ્યાર્થીઓએ પોતાના અથવા વાલીના સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો જ ઉપયોગ કરવો જેથી તમામ અપડેટ્સ સમયસર મળી રહે. કોઈપણ સમસ્યાના ઉકેલ માટે હેલ્પલાઇન નંબર +91-11-40759000 અથવા [email protected] પર સંપર્ક કરી શકાશે.

(3:34 PM IST)