<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

8મું પગાર પંચ: સરકારે લોન્ચ કરી ઓફિશિયલ વેબસાઈટ, હવે સીધા તમારા સૂચનો લેશે પંચ

માર્ચ 16 સુધીમાં માય ગવર્મેન્ટ પોર્ટલ (MyGov) પર ઓનલાઇન પ્રતિસાદ આપવા આદેશ; ટપાલ કે ઈમેઈલથી મોકલેલા સૂચનો રદ થશે, ઓળખ ગુપ્ત રાખી ડિજિટલ પ્રક્રિયા પર ભાર

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની કામગીરી હવે હાઈ-સ્પીડ મોડમાં આવી ગઈ છે. સરકારે આ પંચ માટે નવી દિલ્હીમાં જનપથ પર સત્તાવાર કચેરી ફાળવ્યા બાદ હવે પંચની સત્તાવાર વેબસાઇટ 8cpc.gov.in પણ લાઇવ કરી દીધી છે. આ સાથે જ પંચે 'MyGov' પોર્ટલ સાથે ભાગીદારી કરીને એક વિશેષ પ્રશ્નાવલી (Questionnaire) જાહેર કરી છે, જેના દ્વારા સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી પણ સીધા સૂચનો મંગાવવામાં આવ્યા છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર જ આપવા પડશે સૂચનો પગાર પંચે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પણ પ્રકારના પત્રો, ભૌતિક દસ્તાવેજો અથવા ઈમેઈલ દ્વારા મોકલેલા સૂચનો સ્વીકારવામાં આવશે નહીં. જે કોઈ પણ વ્યક્તિ કે કર્મચારી યુનિયન પોતાનો વિચાર રજૂ કરવા માંગતા હોય, તેમણે MyGov પોર્ટલ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવું પડશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે અને કોઈ કર્મચારીને દબાણ ન અનુભવાય તે માટે સૂચનો આપનારાઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

તારીખ નોંધી લેજો: 16 માર્ચ છે છેલ્લી તક પગાર અને પેન્શન માળખામાં સુધારા માટે તમારા સૂચનો સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે. પંચે કુલ 18 પ્રશ્નોની પ્રશ્નાવલી તૈયાર કરી છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર, ઈન્ક્રીમેન્ટ અને મોંઘવારી જેવા મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ પંચને તેની ભલામણો તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેનો અહેવાલ 2027ના મધ્ય સુધીમાં સરકારને સોંપવામાં આવી શકે છે.

(3:55 PM IST)