તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
રાજકોટના ચકચારી ૧૨૦ કિલો ચાંદીની ચોરીના ગુનાનો પર્દાફાશ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૦ કિલો ચાંદી સાથે તસ્કર ટોળકીને ઝડપી પાડી : મહેસાણામાં મુદ્દામાલ વેચવા જતી ગેંગના સદસ્યોને દબોચી લેવાયા
પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા : મુખ્ય સૂત્રધારની ધરપકડ માટે સુરત અને વડોદરામાં અમદાવાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન

રાજકોટ : રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ચંપકનગરમાં ગત ૪ ફેબ્રુઆરીના રોજ થયેલી ૧૨૦ કિલો ચાંદીની સનસનાટીભરી ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી ૪૦ કિલો ચાંદીના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી છે.
મહેસાણા જતી વેળાએ જ તસ્કરો સકંજામાં:
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, રાજકોટથી ચોરી કરેલો મસમોટો મુદ્દામાલ આરોપીઓ મહેસાણામાં વેચવા માટે લઈ જઈ રહ્યા હતા. જેની સચોટ બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળતા ટીમે વોચ ગોઠવી આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. હાલમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય સૂત્રધારને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત અને વડોદરામાં સઘન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ઘટનાની વિગત: કારમાં આવેલા ત્રણ તસ્કરોનો હાથફેરો
ઉલ્લેખનીય છે કે, ગત તા. ૪ ફેબ્રુઆરીના રોજ પેડક રોડ પર ચંપકનગર-૧માં બીપીનભાઈ સગેવડીયાના માલિકીના મકાનમાં અતુલભાઈ લીંબાભાઈ બુસા-પટેલ ભાડેથી ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું ચલાવે છે. રાત્રે અઢી વાગ્યાના અરસામાં એક સફેદ ક્રેટા કારમાં આવેલા ત્રણ શખ્સો વંડી ઠેંકીને અંદર ઘૂસ્યા હતા અને કારખાનાના તાળા તોડી અંદર રાખેલા ચાંદીના તૈયાર દાગીનાના બોક્સ કારમાં ભરીને ફરાર થઈ ગયા હતા. જેની બજાર કિંમત અંદાજે દોઢથી બે કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી હતી.
ધારાસભ્ય ઉદય કાનગડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની દોડધામ:
કરોડોની ચોરીની જાણ થતા જ વિસ્તારના અગ્રણી વેપારી જયેશભાઈ બુસાએ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને જાણ કરી હતી, જેના પગલે તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ જોઈન્ટ સીપી અને બી-ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસમાં જોડાયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું દબાવ્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હવે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે કે આ ચોરીમાં કોઈ જાણભેદુ સામેલ હતો કે કેમ? બાકી રહેલા ૮૦ કિલો ચાંદીના જથ્થા અને મુખ્ય આરોપીની ધરપકડ બાદ આ સમગ્ર ચકચારી કેસના મૂળ સુધી પોલીસ પહોંચી શકશે તેવું મનાઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
