<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

પપ્પુ યાદવની મધરાતે ધરપકડથી બિહારનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસના રસ્તા પર ઉગ્ર દેખાવો!

પૂર્ણિયાના સાંસદની ધરપકડ બાદ પટનામાં સરકારી પુતળાનું દહન: કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે 'બદલાની રાજનીતિ'ના આરોપો ફગાવતા કહ્યું- "કાયદો તોડશો તો જેલ જવું જ પડશે"

પટના:  બિહારના બાહુબલી અને પૂર્ણિયાના લોકપ્રિય સાંસદ પપ્પુ યાદવની મધરાતે થયેલી ધરપકડે રાજ્યમાં રાજકીય વંટોળ ઉભો કર્યો છે. શુક્રવારે રાત્રે જ્યારે પોલીસ કાફલો તેમના નિવાસસ્થાને પહોંચ્યો ત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો, જેમાં સાંસદે "પોલીસ મારું એન્કાઉન્ટર કરી શકે છે" તેવો ડર વ્યક્ત કરીને રાત્રે ધરપકડ વહોરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પોલીસના કડક વલણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તબિયત લથડતા હાલ તેઓ પટનાની PMCH હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ધરપકડ બાદ કોંગ્રેસે રવિવારે પટનાના સદાકત આશ્રમ ખાતે આક્રમક દેખાવો કર્યા હતા. કોંગ્રેસી કાર્યકરોએ નીતીશ સરકાર પર રાજકીય ષડયંત્રનો આરોપ લગાવી રસ્તા પર ઉતરી સરકારી પુતળાનું દહન કર્યું હતું અને લોકશાહીના મૂલ્યો પર હુમલો ગણાવી આંદોલનની ચીમકી આપી હતી.

સાંસદની ધરપકડને લઈને વિપક્ષના આકરા પ્રહારો વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે મૌન તોડતા સ્પષ્ટ શબ્દોમાં સરકારનો પક્ષ રાખ્યો છે. તેમણે કહ્યું કે પપ્પુ યાદવ સામેની કાર્યવાહી કોઈ બદલાની ભાવનાથી નહીં, પરંતુ કાયદાના પાલન માટે કરવામાં આવી છે. નિત્યાનંદ રાયે સવાલ કર્યો કે જો કોઈનું ઘર હડપ કરવાના કેસમાં કોર્ટનું વોરંટ હોય, તો શું પોલીસે કાર્યવાહી ન કરવી જોઈએ? તેમણે ઉમેર્યું કે કોઈ સાંસદ હોય કે સામાન્ય નાગરિક, જો કાયદો તોડવામાં આવશે તો વહીવટીતંત્ર ચોક્કસપણે કડક પગલાં લેશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ સુર પુરાવતા જણાવ્યું કે, પુરાવા વગર સાંસદ સ્તરની વ્યક્તિ પર હાથ નાખવામાં આવતો નથી અને NDA સરકારમાં કોઈ દોષિતને બક્ષવામાં આવશે નહીં.

પપ્પુ યાદવના સમર્થકો અને તેમની જન અધિકાર પાર્ટી એ પૂર્ણિયામાં મશાલ સરઘસ કાઢીને આ ધરપકડને જનતાના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. JAPના નેતાઓનું કહેવું છે કે પપ્પુ યાદવ સતત ગરીબો અને પીડિતો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે, જે સરકારને ખૂંચી રહ્યું છે. હાલમાં સાંસદ વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ વધુ એક નવી FIR પણ દાખલ કરવામાં આવી છે. હવે સૌની નજર સોમવારે કોર્ટમાં થનારી જામીન અરજીની સુનાવણી પર ટકેલી છે, જે નક્કી કરશે કે બિહારના આ 'રોબિનહુડ' ગણાતા નેતાને જેલમાંથી રાહત મળશે કે પછી જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.

(6:41 PM IST)