<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

આગચંપી, રસ્તા રોકો, પોલીસનો લાઠીચાર્જ... દરભંગામાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બાદ ભારે હોબાળો

માસૂમ દીકરીના લોહીથી લથપથ મૃતદેહ મળતા બિહારમાં ભડકો: લાકડીઓ અને સળિયા લઈને મહિલાઓએ મોરચો સંભાળ્યો : નતાનો આક્રોશ સાતમા આસમાને અને પોલીસનો લાઠીચાર્જ

દરભંગા:  બિહારના દરભંગામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર પાડોશમાં રહેતા નરાધમે બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરી નાખી. શનિવાર સાંજથી ગુમ થયેલી બાળકીનો લોહીથી લથપથ મૃતદેહ જ્યારે તળાવ પાસે મળી આવ્યો, ત્યારે સમગ્ર વિસ્તારમાં શોક અને ગુસ્સાની લહેર ફરી વળી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોનો પિત્તો ગયો હતો અને હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને મહિલાઓએ હાથમાં લાકડીઓ અને લોખંડના સળિયા લઈને ‘ન્યાય આપો અથવા આરોપીને અમને સોંપો’ ના નારા સાથે રસ્તા જામ કરી દીધા હતા. વિરોધ એટલો ઉગ્ર હતો કે પ્રદર્શનકારીઓએ અનેક જગ્યાએ આગચંપી કરી અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો, જેના જવાબમાં પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ઘટનાની તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે કંપારી છૂટી જાય તેવા છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ નાની બાળકીઓ રમી રહી હતી, ત્યારે 22 વર્ષીય પાડોશી વિકાસ મહતોએ અંધારાનો લાભ ઉઠાવી એક બાળકીનું અપહરણ કર્યું હતું. અન્ય બે બાળકીઓ ડરના માર્યા ભાગી ગઈ હતી, જેમણે પાછળથી સીસીટીવી ફૂટેજમાં પાપી વિકાસને ઓળખી બતાવ્યો હતો. પોલીસે જ્યારે આરોપીના ઘરે દરોડો પાડ્યો ત્યારે તેના કપડાં પર હજુ પણ માસૂમ બાળકીના લોહીના ડાઘા હતા, જે તેની હેવાનિયતની સાક્ષી પૂરતા હતા. એસએસપી જગન્નાથ રેડ્ડીના નેતૃત્વમાં એફએસએલ અને સાયબર સેલની ટીમોએ પુરાવા એકઠા કર્યા છે, પરંતુ લોકોની માંગ છે કે આવા નરાધમને ત્વરિત ફાંસીની સજા મળે.

આ સંવેદનશીલ મુદ્દે હવે બિહારનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટી આરજેડીએ નીતીશ કુમાર અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સરકાર અને પોલીસને કોઈ શરમ નથી. આરજેડીએ આરોપ લગાવ્યો કે પોલીસ માત્ર ગેરકાયદેસર વસૂલાતમાં વ્યસ્ત છે અને રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત નથી. દરભંગાની આ ઘટનાએ ફરી એકવાર બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કર્યા છે. હાલમાં વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, પરંતુ માસૂમના પરિવારે ગુમાવેલી દીકરીનો ગમ અને લોકોનો ન્યાય માટેનો આક્રોશ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો.

(6:51 PM IST)