<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

આસામમાં ‘પાકિસ્તાની કનેક્શન’નો વિસ્ફોટ: હિમંતાના સનસનીખેજ આરોપો અને ગૌરવ ગોગોઈનો પલટવાર!

SIT રિપોર્ટના 44 પાનામાં છુપાયેલું છે ‘ઇસ્લામાબાદ’નું રહસ્ય? મુખ્યમંત્રીએ સાંસદની પત્ની પર લગાવ્યા ગુપ્ત દસ્તાવેજો શેર કરવાના અને ISI ના સંપર્કમાં હોવાના ગંભીર આક્ષેપો: ગોગોઈએ હિમંતાની પ્રેસ કોન્ફરન્સને ગણાવી ‘C-ગ્રેડ સિનેમા’

ગુવાહાટી:  આસામના રાજકારણમાં રવિવારે ત્યારે ભૂકંપ આવ્યો જ્યારે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અઢી કલાક લાંબી મેરેથોન પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ ગોગોઈ પર પાકિસ્તાની કનેક્શનના આક્ષેપોની ઝડી વર્ષાવી. SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ના 44 પાનાના રિપોર્ટને ટાંકીને હિમંતાએ દાવો કર્યો કે ગૌરવની બ્રિટિશ પત્ની એલિઝાબેથ કોલબર્ન પાકિસ્તાનના પૂર્વ સલાહકાર તૌકીર શેખ સાથે સતત સંપર્કમાં હતી અને તેણે ગુપ્ત માહિતી શેર કરી હતી. હિમંતાએ વધુમાં સનસનીખેજ દાવો કર્યો કે એલિઝાબેથને પાકિસ્તાન તરફથી પગાર મળતો હતો અને લગ્ન બાદ તે નવ વખત પાકિસ્તાન ગઈ હતી. આ મામલાની ગંભીરતા જોતા આસામ સરકારે હવે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવા માટે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે.

મુખ્યમંત્રીના આ પ્રહારો સામે ગૌરવ ગોગોઈએ પણ જડબાતોડ જવાબ આપતા આખી પ્રેસ કોન્ફરન્સને ‘સુપર ફ્લોપ’ અને ‘C-ગ્રેડ ફિલ્મ’ જેવી ગણાવી છે. ગોગોઈએ સોશિયલ મીડિયા પર હિમંતાની મજાક ઉડાવતા કહ્યું કે અઢી કલાક સુધી પત્રકારોને પકડી રાખ્યા પછી પણ મુખ્યમંત્રી કોઈ નક્કર પુરાવા આપી શક્યા નથી અને માત્ર વાહિયાત વાતો કરી રહ્યા છે. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે હિમંતાએ પાકિસ્તાનની ચિંતા કરવાને બદલે એ જણાવવું જોઈએ કે તેમના પરિવારે 4,000 એકર મોંઘી જમીન કેવી રીતે હડપી લીધી છે. ગોગોઈએ ચીમકી આપી કે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે આ જમીન જપ્ત કરીને ગરીબોને વહેંચી દેવામાં આવશે.

આ વિવાદમાં હવે જ્યોર્જ સોરોસ અને અમેરિકી સેનેટર્સના નામ પણ ઉછળ્યા છે, જેને હિમંતાએ ગૌરવ ગોગોઈના પરિવાર સાથે સાંકળ્યા છે. હિમંતાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ શાસન દરમિયાન દિલ્હીના સમર્થન વગર પાકિસ્તાની એજન્ટોનું ભારત આવવું શક્ય નહોતું. બીજી તરફ, ગૌરવ ગોગોઈએ કહ્યું કે હિમંતા આસામની જનતાની બુદ્ધિનું અપમાન કરી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં જનતા જ તેમને સત્તા પરથી દૂર કરશે. અત્યારે તો આસામના ગલી-મહોલ્લામાં પાકિસ્તાન, આઈટીઆઈ અને જમીન કૌભાંડની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે આગામી ચૂંટણીના સમીકરણો વધુ જટિલ બની શકે છે.

(6:52 PM IST)