હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનના કાળ સમાન ‘SCALP’ મિસાઇલોથી સજ્જ થશે ભારત: ₹3,200 કરોડનો મેગા સોદો તૈયાર!
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વાયુસેનાનો માસ્ટરસ્ટ્રોક: રાફેલના ભાથામાં જોડાશે વધુ વિનાશક ક્રુઝ મિસાઇલો : પાકિસ્તાની એરબેઝ અને આતંકી ઠેકાણાઓને પલકવારમાં રાખ કરી દેવાની ક્ષમતામાં અનેકગણો વધારો અને 114 નવા રાફેલ વિમાનોની ખરીદીનો માર્ગ મોકળો

નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એક એવો સોદો આકાર લઈ રહ્યો છે જે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેવા માટે પૂરતો છે. ભારતીય વાયુસેના (IAF) તેના ‘બ્રહ્માસ્ત્ર’ ગણાતા રાફેલ ફાઇટર જેટ માટે ₹3,200 કરોડના ખર્ચે વધુ પ્રમાણમાં ‘SCALP’ ક્રુઝ મિસાઇલો ખરીદવા જઈ રહી છે. આ એ જ મિસાઇલો છે જેણે ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન રાત્રિના અંધકારમાં પાકિસ્તાનના મુરિદકે અને બહાવલપુર જેવા વિસ્તારોમાં જૈશ અને લશ્કરના આતંકી ઠેકાણાઓનો સચોટ શિકાર કર્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રાન્સ સાથે આ સોદાની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેના પર મંજૂરીની મહોર વાગી શકે છે.
આ મિસાઇલોની ખાસિયત તેની અચૂક ચોકસાઈ છે, જે દુશ્મનના રડારમાં આવ્યા વગર સેંકડો કિલોમીટર દૂર બેસીને પણ ટાર્ગેટને ધૂળ ચાટતું કરી શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે માત્ર આતંકી કેમ્પ જ નહીં, પરંતુ પાકિસ્તાની વાયુસેનાના 12 મુખ્ય એરબેઝને પણ આ જ શસ્ત્રોથી નિશાન બનાવ્યા હતા, જેમાં જમીન પર રહેલા દુશ્મન વિમાનો અને જાસૂસી એરક્રાફ્ટ બરબાદ થઈ ગયા હતા. SCALP ની સાથે સાથે વાયુસેના હવે દુશ્મન વિમાનોને હવામાં જ તોડી પાડતી ‘મીટીઓર’ (Meteor) મિસાઇલોનો પણ જથ્થો વધારી રહી છે, જે આગામી સમયમાં નૌકાદળના 26 રાફેલ મરીન વિમાનોમાં પણ તૈનાત કરવામાં આવશે.
રાફેલના અત્યાર સુધીના શાનદાર પ્રદર્શનને જોતા ભારતીય વાયુસેના હવે 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવ સાથે આગળ વધી રહી છે. જો આ દરખાસ્ત મંજૂર થશે, તો આગામી દાયકામાં ભારત પાસે લગભગ 200 જેટલા રાફેલ વિમાનોનો કાફલો હશે, જે એશિયામાં ભારતીય વાયુસેનાનું વર્ચસ્વ સ્થાપિત કરશે. ભારત અને ફ્રાન્સની આ વધતી જતી મિત્રતા અને શક્તિશાળી મિસાઇલોનો સોદો એ સ્પષ્ટ સંદેશ છે કે ભારત પોતાની સીમાઓ પર કોઈપણ સુરક્ષા જોખમને સહન કરવાના મૂડમાં નથી અને હવે ‘ડિફેન્સ’ મોડમાંથી બહાર આવીને ‘પ્રી-એમ્પટિવ સ્ટ્રાઈક’ ક્ષમતાને મજબૂત બનાવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
