હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રેલ્વેનો 'બોર્ડર એલર્ટ': હવે આઈડી વગરની મુસાફરી જેલની હવા ખવડાવી શકે!
ભારત-નેપાળ અને બાંગ્લાદેશ સરહદ પર દોડતી ટ્રેનો માટે રેલ્વે મંત્રાલયનો નવો ફતવો: રિઝર્વ્ડ કોચમાં ઓરિજિનલ ઓળખપત્ર રાખવું હવે મરજીયાત નહીં પણ ફરજિયાત: નિયમ તોડ્યો તો આખું ગ્રુપ ગણાશે ‘વિના ટિકિટ’ અને વસૂલાશે આકરો દંડ

નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર વધતા સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રેલ્વે બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા આદેશ મુજબ, ભારત-નેપાળ અને ભારત-બાંગ્લાદેશ સરહદે આવેલા વિસ્તારોમાં મુસાફરી કરતા તમામ મુસાફરો માટે હવે ઓરિજિનલ ઓળખપત્ર (ID) બતાવવું અનિવાર્ય બન્યું છે. જો તમે રિઝર્વ્ડ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારી પાસે ઓળખ સાબિત કરવા માટે કોઈ અસલ દસ્તાવેજ નહીં હોય, તો રેલ્વે તમને ટિકિટ હોવા છતાં ‘વિના ટિકિટ મુસાફર તરીકે ગણશે અને કાયદેસરની કાર્યવાહી કરશે.
આ નવા નિયમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોમાં થતી ગેરકાયદેસર ઘૂસણખોરી, નકલી ટિકિટોનો વેપલો અને સુરક્ષામાં રહેતી ખામીઓને અટકાવવાનો છે. રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ જૂથમાં મુસાફરી કરી રહ્યું હોય, તો ઓછામાં ઓછા એક મુસાફર પાસે તેમનું અસલ આઈડી હોવું જ જોઈએ. એટલું જ નહીં, જે મુસાફરોએ વરિષ્ઠ નાગરિક કે વિદ્યાર્થી જેવા વિશેષ ક્વોટા હેઠળ કન્સેશન લીધું છે, તેમણે પણ પોતાની યોગ્યતા સાબિત કરતા પુરાવા સાથે રાખવા પડશે. ૬ ફેબ્રુઆરીથી આ આદેશનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ટીટીઈ ને આ બાબતે ખાસ તપાસ કરવા માટેની સત્તા સોંપવામાં આવી છે.
સરહદી રૂટ પર મુસાફરી કરવાનું વિચારી રહેલા પ્રવાસીઓએ હવે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર કે ડ્રાઈવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજોની મૂળ નકલ સાથે રાખવી સલાહભર્યું છે. આઈડીના અભાવે માત્ર દંડ જ નહીં, પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કે ધરપકડની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. રેલ્વેના આ પગલાથી મુસાફરીમાં થોડી જટિલતા ચોક્કસ વધશે, પરંતુ દેશની આંતરિક સુરક્ષા માટે તેને એક અનિવાર્ય કદમ માનવામાં આવી રહ્યો છે. તેથી, હવે ટિકિટ કન્ફર્મ હોવા છતાં આઈડી ભૂલી જવાની ભૂલ તમને મોંઘી પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
